Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જોધપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટનામા ૧૩ મોત થયા

અન્ય આઠ લોકો ગંભીરરીતે ઘાયલ

જયપુર,તા.૨૭ : રાજસ્થાનના જોધપુરમાં આજે ભીષણ માર્ગ દુર્ઘટનામાં ૧૩ લોકોના મોત થઇ ગયા હતા અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાલેસર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં બની હતી. એ વખતે એક સિટી બસનું ટાયર ફાટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ટાયર ફાટી જતાં બસ સામેથી આવી રહેલી જીપ સાથે ટકરાઈ ગઈ હતી. બાલેસર પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્રસિંહે માહિતી આપતા કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૨૫ ઉપર આ દુર્ઘટના થઇ હતી અને ૧૩ લોકોના મોત થઇ ચુક્યા છે. ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી છે જેથી મોતનો આંકડો વધે તેમ માનવામાં આવે છે.

           મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ બનાવની માહિતી મળતા જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ગંભીરરીતે ઘાયલ થયેલા યાત્રીઓને જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાલેસર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ઢાઢનિયા ગામ નજીક બન્યો હતો. મૃતકોની ઓળખ થઇ ચુકી છે.

(7:35 pm IST)