Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જીએસટીઃ ઓનલાઈન રિફંડ પ્રક્રિયા શરૂ

હવે કરદાતાઓ આરએફડી ૦૧ ફોર્મ ભરીને જીએસટીનું રિફંડ મેળવવા માટે સરળતાપૂર્વક ઓનલાઈન અરજી કરી શકશે

નવી દિલ્હીઃ તા.૨૭:  જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અનુસરતા ઈન્ડાયરેકટ ટેકસ (આડકતરા કરવેરા) સિસ્ટમની આઈટી બેકબોન (કરોડરજ્જુ) લેખાતા જીએસટી નેટવર્કે ગુરુવારે જીએસટી રિફંડ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી હતી.

આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાને કારણે હવે કરદાતાઓ આરએફડી ૦૧ ફોર્મ ભરીને જીએસટીનું રિફંડ મેળવવા માટે સરળતાપૂર્વક ઓનલાઈન અરજી કરી શકશે અને કરવેરા અધિકારીઓએ અરજીનું ઓનલાઈન પ્રોસેસિંગ કરી શકશે, એમ જીએસટી નેટવર્ક અંગેના બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

કરદાતાઓ અને કરવેરા અધિકારીઓ વચ્ચેનો તમામ સંદેશવ્યવહાર હવે ઓનલાઈન હશે. જીએસટી પોર્ટલ પર ૨૫ સપ્ટેમ્બરથી અમલી બને તે રીતે જીએસટી રિફંડ પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

અગાઉ રાજય અને કેન્દ્રીય જીએસટી એમ બંનેની રિફંડ પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા નિમવામાં આવેલી એક જ ટઙ્ખકસ આઙ્ખથોરિટી દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ રિફંડનું વિતરણ રાજય અને કેન્દ્રના જવાબદાર વિભાગ દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવતું હતું જેને કારણે જીએસટી રિફંડમાં વિલંબ થતો હતો, એમ તેમણે કહ્યું હતું.

જીએસટી નેટવર્કના સીઈઓ પ્રકાશકુમારે કહ્યું હતું કે નવી રિફંડ પ્રક્રિયા કરદાતાઓ અને કરવેરા અધિકારીઓ એમ બંને માટે એકમેક સાથે કામ પાર પાડવામાં સરળતા ઊભી કરશે જેને કારણે જીએસટી રિફંડની પ્રક્રિયા ઝડપી બનશે.

કરદાતાઓ જીએસટી પોર્ટલ પર તેમની અરજી કયા તબક્કામાં છે તેની જાણકારી સરળતાપૂર્વક મેળવી શકશે અને તેમને જો કોઈ નોટિસ મળી હશે તો તેનો જવાબ પણ તેઓ જીએસટી પોર્ટલ પર આપી શકશે.

રિફંડ અરજી મહત્ત્વના તબક્કામાં હશે ત્યારે કરદાતાઓને એસએમએસ, ઈમેલ જેવા માધ્યમ મારફતે તેની માહિતી આપવામાં આવશે. દરમિયાન, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૯ અગાઉ કરવામાં આવેલી તમામ રિફંડ અરજીઓનો નિકાલ જૂની પ્રક્રિયા મુજબ જ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

(11:28 am IST)