Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સોનાના ૬ બારની કિંમત ૩૦ લાખઃ દિલ્હી એરપોર્ટ પરથી મહિલાની બ્રામાંથી સોનાના ૬ બાર મળ્યા

નવી દિલ્હી તા. ર૭: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે મોસ્કોથી દિલ્હી આવી રહેલી એક મહિલાને ઝડપી પાડી હતી. તેના સામાનમાં આંતરવસ્ત્ર મળી આવ્યું હતું. જે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કસ્ટમ વિભાગની ટીમે મહિલાનો સામાન તપાસ્યો હતો જેમાંથી એક બ્રા મળી આવી હતી. બ્રાના નીચેના ભાગમાં ઇલાસ્ટિકની જગ્યાએ એમાં સોનાના ૪ તાર નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કપડામાંથી સોનાના ૬ બાર મળી આવ્યા હતા જેની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયાની આસપાસ હતી. આ બ્રા સોનાની તસ્કરી કરવાના હેતુસર લાવવામાં આવી હતી. મહિલાની તત્કાળ ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટમનાં જોઇન્ટ કમિશ્નર અનુભા સિન્હાએ જણાવ્યું હતું કે અધિકારીઓને મહિલા પર શંકા ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે જયારે મહિલા મોસ્કોથી દિલ્હી એરપોર્ટ પહોંચી હતી અને તેને ગ્રીન ચેનલ ક્રોસ કરતાં જ કસ્ટમ અધિકારીઓને તેના પર શંકા ગઇ હતી. શંકાના અધારે જ અધિકારીઓએ મહિલાનો સામાન તપાસ્યો તો આ તસ્કરીનો ખુલાસો થયો હતો.

કસ્ટમ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 'તપાસ દરમ્યાન બેગની અંદર રાખવામાં આવેલી બ્રામાંથી સોનાના ૪ તાર મળી આવ્યા હતા સાથે જ ૬ સોનાના બાર પણ હતા. તમામનું વજન ૭૯૪ ગ્રામ છે જેની કિંમત ૩૦ લાખ રૂપિયા થવા જાય છે.'

(11:27 am IST)