Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

GST રિટર્ન ભરનારને ૧ કરોડની લોન આપશે બેંકોઃ નાણાકીય રેકોર્ડ પણ નહિ માંગે

બેંકો તરફથી મળેલા પ્રસ્તાવને નાણા મંત્રાલયની સહમતી

નવી દિલ્હી તા. ર૭ :.. જીએસટી રીટર્ન ભરનાર ધંધાર્થીઓને કોઇપણ પ્રકારના નાણાકીય રેકોર્ડ માંગ્યા વગર બેંક એક કરોડ સુધીની લોન આપી શકશે. સરકાર આ અંગેની તૈયારીઓ કરી રહી છે. મળતી માહિતી અનુસાર, ધંધાના વિકાસ માટે આ લોન અપાશે. બેંકો દ્વારા આવેલા આ પ્રસ્તાવને નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે થયેલી બેંક અધિકારીઓની મીટીંગમાં ઓરીયેન્ટલ બેંક ઓફ કોમર્સના અધિકારીઓએ આ પ્રસ્તાવ મુકયો હતો. નાણા પ્રધાને તેને પાયલોટ પ્રોજેકટ તરીકે  શરૂ કરવા માટે તરત મંજૂરી પણ આપી દીધી હતી. અધિકારીઓએ કહયું કે પછીથી તેને બધી બેંકોમાં લાગુ કરાશે.

પ્રસ્તાવ અનુસાર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન અપાશે. વેપારી, ધંધાર્થી, કોઇ કંપની અથવા ફર્મ અને કાયદેસર રીતે ચાલતા કોઇ પણ ધંધા માટે ઓવર ડ્રાફટની સગવડ મળશે. આના માટે ૬ મહિનાના જીએસટી રીટર્ન ભર્યા હોવા જરૂરી છે. ત્યાર પછી બેંક દ્વારા બીજા કોઇ નાણાકીય સ્ટેટમેન્ટ નહીં માંગવામાં આવે.

જીએસટી રીટર્ન દ્વારા કોઇપણ ધંધાર્થીની નાણાકીય કુંડળી સરકાર પાસે આવી જાય છે. તેને આધાર ગણીને બેંક બીજા વધારાના કાગળો જોયા વગર લોન આપી શકે છે. અર્થ વ્યવસ્થાને મજબુત બનાવવા માટે સરકાર લોન આપવાની આવી ઘણી તરકીબો લાવી રહી છે. (પ-૧૦)

(10:57 am IST)