Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સાર્ક બેઠકમાં જયશંકરના પ્રવચનનો બહિષ્કાર કર્યો મહમૂદ કુરેશીએઃ પાકિસ્તાનનું નવું નાટક

ન્યુયોર્કમાં મળી હતી સાર્ક દેશોની બેઠક

ન્યુયોર્ક, તા.૨૭: કાશ્મીરને લઇ આંતરરાષ્ટ્રીય મંચ પર ભાવ નહીં મળતા ગિન્નાયેલા પાકિસ્તાનની અજીબોગરીબ હરકતો ચાલુ છે. આ વખતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ દક્ષેસ (સાર્ક)ની એક મહત્વની મીટિંગમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરના સંબોધનનો બહિષ્કાર કર્યો. કુરૈશી એ કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે ત્યાં સુધી કોઇ સંપર્ક નહીં કરે જયાં સુધી કાશ્મીરમાંથી 'પ્રતિબંધ'સમાપ્ત નહીં કરે.

ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્ર મહાસભા સત્રની અંદર સાર્ક દેશોના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠક થઇ. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના સંબોધનમાં કાઉન્સિલ મીટિંગનું ઉદઘાટન કર્યું. આ દરમ્યાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ત્યાં હાજર ના રહ્યા. જયારે જયશંકર પોતાનું સંબોધન ખત્મ કરી મીટિંગમાંથી નીકળી ગયા ત્યારબાદ કુરૈશી ત્યાં પહોંચ્યા.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી એ ટ્વીટ કરી કે કુરૈશી એ દક્ષેસ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકરના શરૂઆતના સંબોધનમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતની સાથે ત્યાં સુધી કોઇ વાતચીત શરૂ નહીં કરે જયાં સુધી તેઓ કાશ્મીરમાંથી પ્રતિબંધો સમાપ્ત ના કરે. તેમણે કહ્યું કે તેમણે કાશ્મીરીઓના માનવાધિકારોની રક્ષા કરવી જોઇએ, સુનિશ્યિત કરવું જોઇએ કે તેમનું સંરક્ષણ હોય અને તેમનું દમન-શોષણ ના કરવું જોઇએ. જો કે મીટિંગમાંથી નીકળ્યા બાદ કુરૈશીએ કહ્યું કે સાર્કની આગળની મીટિંગ પાકિસ્તાનમાં થશે જેની તારખી ટૂંક સમયમાં જ નક્કી કરાશે.

બેઠકમાં મોડા આવવા અંગે પૂછવા પર કુરૈશી એ કહ્યું કે તેઓ કાશ્મીર પર વિરોધ સ્વરૂપ ભારતીય મંત્રીની સાથે બેસવા માંગતા નહોતા. જયશંકરે જયારે સંબોધન દરમ્યાન તેમના પાકિસ્તાની સમકક્ષની અનુપસ્થિતિ પર ટિપ્પણી કરવા માટે કહ્યું તો તેમણે 'ના' કહીને ઇન્કાર કરી દીધો.

ભારતે ૫મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી ખાસ દરજ્જો સમાપ્ત કરવા માટે સંવિધાનની કલમ ૩૭૦ની જોગવાઇઓ સમાપ્ત કરી દીધી. ત્યારબાદથી પાકિસ્તાન અકળાયું છે. તેણે ભારતની સાથે ડિપ્લોમેટસ સંબંધોને ઘટાડી દીધા અને ભારતીય હાઇકમિશનને પોતાના દેશમાંથી પાછા મોકલી દીધા. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવા માટે પગ દ્યસી રહ્યું છે, પરંતુ ભારત સ્પષ્ટતા કરી ચૂકયું છેકે કલમ ૩૭૦ની જોગવાઇ સમાપ્ત કરવાનો તેમનો આંતરિક મામલો છે.

દક્ષિણ એશિયન ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC) એશિયાનું ક્ષેત્રીય ગ્રૃપ છે. તેમાં ભારત, પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ અને શ્રીલંકા સામેલ છે. ગયા વર્ષે તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દક્ષેસના મંત્રીઓની પરિષદની બેઠકમાં પોતાના સંબોધન બાદ ત્યાંથી નીકળી ગયા હતા. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓની નિર્મમ હત્યા અને કાશ્મીરમાં ઠાર કરાયેલા એક આતંકવાદીના મહિમામંડન કરતાં પાકિસ્તાન દ્વારા પોસ્ટ ટિકિટ રજૂ કર્યા બાદ બંને દેશોમાં તણાવ હતો.

(10:08 am IST)