Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ખસોગી હત્યાકાંડમાં ક્રાઉન પ્રિન્સે આખરે કરેલ કબૂલાત

તમામ બાબતો તેમની દેખરેખમાં બની : ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન : કબૂલાત બાદથી ક્રાઉન પ્રિન્સની મુશ્કેલી વધે તેવા સંકેતો

રિયાદ, તા. ૨૬ : સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આખરે પત્રકાર જમાલ ખસોગીની હત્યાની જવાબદારી લઇ લીધી છે. આગામી સપ્તાહમાં પ્રસારિત થનાર પીબીએસ ડોક્યુમેન્ટ્રીના કહેવા મુજબ સલમાને કહ્યું છે કે, ગયા વર્ષે સાઉદી  એજન્ટો દ્વારા કરવામાં આવેલી ખસોગીની હત્યાની જવાબદારી તેઓ સ્વીકારે છે. કારણ કે, આને તેમની દેખરેખમાં જ અંજામ આપવામાં આવ્યું હતું. આ કબૂલાત ખુબ જ ચોંકાવનારી છે. કારણ કે, હજુ સુધી સલમાને જાહેરરીતે આ હત્યાકાંડના સંદર્ભમાં કોઇ વાત કરી ન હતી. ગયા વર્ષે ઇસ્તાનબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટની અંદર પત્રકારની હત્યા કરી દેવામાં આવી હતી. સીઆઈએ અને પશ્ચિમી દેશોની સરકારોએ કહ્યું હતું કે, સાઉદી ક્રાઉન પ્રિન્સે હત્યા કરાવી હતી.

જો કે, સાઉદીના અધિકારીઓ કહી રહ્યા હતા કે તેમની કોઇ ભુમિકા નથી. હત્યાના સમાચારો દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. હત્યાકાંડના કારણે ક્રાઉન પ્રિન્સની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. દુનિયાના સૌથી મોટા તેલ નિકાસકાર દેશના ક્રાઉન પ્રિન્સે અમેરિકા અથવા યુરોપની યાત્રા કરી ન હતી. ખસોગીની ઓળખ શાહી પરિવારની અંદર સુધી રહેલી હતી. જો કે, મોડેથી આ પત્રકાર પરિવારના ટિકાકાર બની ગયા હતા. જાણકારી મુજબ પૂર્વ રોયલ એડવાઇઝરે ઓપરેશનથી પહેલા ટીમને ખસોગીની ગતિવિધિ પર નજર રાખવા માટે કહ્યું હતું. હવે આ મામલામાં શું થશે તેને લઇને ચર્ચા છે. એવું જાણવા મળી ચુક્યું છે કે, ખસોગીના મૃતદેહના ટુકડે ટુકડા કરીને ઇમારતની બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને કોઇ અવશેષ મળ્યા ન હતા.

(12:00 am IST)