Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઇરાકમાં યુધ્ધ અભિયાન સમાપ્ત કરવાની જાહેરાત કરતા બાઇડન

હવે નવા સંબંધો વિકસાવવામાં આવશે

વોશીંગ્ટન તા. ર૭: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે કહ્યું કે ઇરાકમાં લડાયક મિશન આ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થઇ જશે. રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે ઇરાક સાથે અમેરિકન સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશ કરશે. ઇસ્લામિક સ્ટેટના પુનરૂત્થાનના જોખમો અને બગદાદમાં ઇરાનના શકિતશાળી પ્રભાવ વચ્ચે બાઇડને ભારપૂર્વક કહ્યું કે વોશીંગ્ટન અમારા સુરક્ષા સહયોગ માટે પ્રતિબધ્ધ છે. તેમણે કહ્યું કે અમેરિકન સેના ઇરાકી દળોને આઇએસઆઇએસ (ઇસ્લામી સ્ટેટ) વિરૂધ્ધ ટ્રેનીંગ અને સહાયતા આપવાનું ચાલુ રાખશે. માહિતી અનુસાર, ઇરાકમાં અમેરિકાના લગભગ રપ૦૦ સૈનિકો છે. આ અમેરિકન સૈનિકો અહીં આતંકવાદી વિરોધી અભિયાન અને ઇરાકી સુરક્ષા દળોને ટ્રેનિંગ આપે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમી વચ્ચે ઇરાકમાં ૧૮ વર્ષ પછી અમેરિકન સેનાના યુધ્ધ મિશનને સમાપ્ત કરવાની સમજૂતિ થઇ છે. બન્ને નેતાઓએ સોમવારે ઔપચારિક રીતે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતિ અનુસાર, ર૦ર૧ના અંત સુધીમાં ઇરાકમાં યુધ્ધ મિશન સમાપ્ત થઇ જશે. આ પહેલા અમેરિકા અને તેના સહયોગી દેશોએ ૧૮ વર્ષ પહેલા સદ્દામ હુસેનના શાસનનો અંત કરવા ઇરાકમાં સૈન્ય મોકલ્યું હતું. ઇરાક સાથે નવા સંબંધો પર ભાર મુકતા બાઇડને કહ્યું કે તેઓ વીજળીના સપ્લાયને મજબુત કરવા, કોરોના સામે લડવા, જણાવાયું પરિવર્તનની અસરોનો સામનો કરવા અને ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહનો આપવામાં ઇરાકને ભરપૂર મદદ કરશે. બાઇડને ઇરાકી પીએમ કાદીમીને જણાવ્યું કે ઇરાકને કોરોના વિરોધી રસીના પાંચ લાખ ડોઝ થોડા સપ્તાહમાં મોકલી અપાશે. તેમણે કહ્યું કે ઇરાકમાં લોકશાહીને મજબૂત કરવાના પ્રયાસોને ટેકો આપીએ છીએ અને ઇરાકમાં ઓકટોબરમાં થનારી ચૂંટણીઓને નિષ્પક્ષ રીતે યોજવા માટે બગદાદ, ખાડી સહયોગ પરિષદ અને સંયુકત રાષ્ટ્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

(2:46 pm IST)