Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

યુપીમાં સત્તા જાળવી રાખવા ભાજપા અપનાવશે ગુજરાત ફોર્મ્‍યુલા

ઘણા વર્તમાન ધારાસભ્‍યોની ટીકીટ કપાશે

લખનૌ,તા. ૨૭ : ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીની તૈયારી ભાજપાએ શરૂ કરી દીધી છે. ભાજપાનું ફોકસ રાજ્‍યમાં ફરીથી સરકાર બનાવવાનું છે. અને તેના માટે પક્ષ ગુજરાત ફોર્મ્‍યુલા અપનાવાના જુગાડમાં છે.

ભાજપા જે રીતે ગુજરાતમાં દર વખતે એન્‍ટી ઇન્‍કમ બંસીથી બચવા માટે જૂના ધારાસભ્‍યોની ટીકીટ કાપીને નવા ચહેરાઓ પર દાવ લગાવતી આવી છે. ચર્ચા થઇ રહી છે કે યુપીમાં પણ ભાજપા એ જ ફોર્મ્‍યુલા હેઠળ પોતાના ૧૦૦ થી વધારે વર્તમાન ધારાસભ્‍યોની ટીકીટ કાપીને નવા ચહેરાઓ પર દાવ લગાવી શકે છે.

આ દાવ ગુજરાતમાં ભાજપા લાંબા સમયથી ખેલે છે. ૨૦૧૭માં દિલ્‍હીની એમસીડી ચૂંટણીમાં પણ ભાજપાએ બધા વર્તમાન સભ્‍યોની ટીકીટ કાપીને નવા ચહેરાઓ પર દાવ લગાવવાની ફોર્મ્‍યુલા સફળ રહી હતી. એટલુ જ નહીં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ ૨૦૧૪ની લોકસભાના ૯૦ સાંસદોની ટીકીટો કાપી નાખી હતી. પાંચ સાંસદોએ પક્ષ છોડી દીધો હતો. તો કેટલાક સાંસદો ૭૫+ ઉંમરના કારણે રહી ગયા હતા.

હવે યુપીમાં ભાજપા સત્તા જાળવી રાખવા માટે ગુજરાત ફોર્મ્‍યુલા અપનાવી શકે છે. જો આવુ થશે તો આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપાના કેટલાય વર્તમાન ધારાસભ્‍યોની ટીકીટ કપાઇ શકે છે. અને તેમની જગ્‍યાઓએ નવા ચહેરાઓ પર દાવ લગાવાશે.

(10:30 am IST)