Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વર્ક ફ્રોમ હોમ નહીં, વર્ક ફ્રોમ લગ્ન મંડપ : દુલ્હો લગ્ન મંડપમાં કરી રહ્યો હતો લેપટોપ પર કામ!

વીડિયો વાયરલ યૂઝર્સે કોમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો

 

નવી દિલ્હી,તા. ૨૭: કોરોનાએ લોકોનું જીવન બદલી નાખ્યું છે. લોકોના કામ કરવાની રીત પણ બદલાઈ છે. અનેક ઓફિસોને તાળા લાગી ગયા છે, જેમના કર્મચારીઓ હાલ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ઘરે કામની સાથે અન્ય જરૂરી કામ પણ લોકો કરી રહ્યા છે. આ દરમિયાન એક લગ્નનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હો લગન મંડપમાં બેઠો બેઠો લેપટોપ પર કામ રહી રહ્યો છે.

આ અંગે જે વીડિયો વાયરલ થયો છે તેમાં દુલ્હો લગ્નની વિધિ દરમિયાન લેપટોપ અને મોબાઇલ લઈને લગ્ન મંડપમાંથી ઓફિસનું કામ કરી રહ્યો છે. આ વીડિયોને જોઈને યૂઝર્સે કોમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો છે.

મંડપમાં બેઠેલા પંડીત મંત્રો બોલી રહ્યા છે અને દુલ્હો લેપટોપ પર કામ કરી રહ્યો છે. દુલ્હો કામમાં એટલો તો વ્યવસ્ત છે કે તેને તેની આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન નથી. દુલ્હાનું કામ પૂર્ણ થયા બાદ ફરીથી લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી.

મંડપમાં દુલ્હન પોતાની સખીઓ સાથે બેઠેલી જોવા મળે છે. જયારે દુલ્હને આ દ્રશ્ય જોયું ત્યારે તેણી હસવાનું રોકી શકી ન હતી. આ આખો વીડિયો કોઈએ ઇન્ટરનેટ પર મૂકી દીધો હતો.

દુલ્હાના લગ્નની વિધિને બદલે કામ કરતો જોઈને દુલ્હન હસી રહી છે. આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Jay-Raj VijaySingh Deshmukh’s નામના યૂઝરે પોસ્ટ કર્યો છે. અનેક યૂઝર્સ આ વીડિયો જોઈ ચૂકયો છે અને પોતાની કોમેન્ટ્સ પણ આપી ચૂકયા છે.

અનેક યૂઝર્સ આ વીડિયો પર ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, દુલ્હો હનીમૂન માટે પોતાની રજા બચાવી રહ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે, નક્કી આ આઈટી કંપનીમાં કામ કરતો હશે.

અન્ય એક યૂઝકે ખૂબ જ ફની કોમેન્ટ કરતા લખ્યું છે કે, દુલ્હો પોતાના લેપટોપમાંથી તેની જૂની ગર્લફ્રેન્ડની તસવીરો ડિલીટ કરી રહ્યો છે.

અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, આશા છે કે દુલ્હાના મેનેજરની હકાલપટ્ટી કરવામાં આવી હશે. વધુ એક યૂઝરે લખ્યું છે કે, દુલ્હો અન્ય લોકો લગ્ન વિધિ જોઈ શકે તે માટે લેપટોપમાં સેટિંગ કરી રહ્યો હશે.

(10:23 am IST)