Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સંપ, સુહૃદભાવ અને એકતાના સત્સંગ કરાવી 'દાસના દાસ'નું સૂત્ર આપનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની ચીર વિદાય

પૂ. હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી

લાખો હરિભકતો શોકમાં ડૂબ્યા : હરિધામ સોખડાના પરમાધ્યક્ષ એવા પૂ. હરિપ્રસાદ સ્વામીજી ૮૮ વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે ૧૧ કલાકે અક્ષર નિવાસી થયા

વડોદરા,તા. ૨૭: હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો ગઇકાલે રાત્રે દેહ વિલય થતા વિશ્વભરના લાખો હરિભકતોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓની તબિયત બગડતા ડાયાલીસીસ ઉપર હતા. ગઇકાલે સાંજે બ્લડપ્રેશર અને પલ્સ ઘટવા સાથે હૃદય પણ કામ કરતુ બંધ થઇ જતા અહીંની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંપ, સુહૃદભાવ અને એકતાના પાયા પર દેશ-વિદેશમાં લાખો સત્સંગીઓને પંચ વર્તમાનનું પાલન કરાવવા સાથે 'દાસના દાસ'નું સૂત્ર આપી અનોખા સમાજનું નિર્માણ કરનાર પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના ભકતો ભારત સહિત અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ, દુબઇ, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા સહિત અનેક દેશોમાં છે. પૂ. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર ૧લી ઓગસ્ટે કરવામાં આવશે. આ પહેલા આજથી ૩૧મી સુધી સોખડા ખાતે તેમના અંતિમ દર્શન થઇ શકશે.

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ૮૮ વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે ૧૧ કલાકે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી નાદુરસ્ત હતા. તેમને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જયાં તેમની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડીરાત્રે ૧૧ વાગે સ્વામીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ સમાચારને કારણે દેશવિદેશનાં હરિભકતોમાં શોક વ્યાપી ગયો છે.

 યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુકત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂહરિ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને ૨૬ જુલાઇ રાત્રે ૧૧ કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

 હરિપ્રસાદ સ્વામીજીનો ૨૩ મે ૧૯૩૪માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ગત ૨૩ મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો ૮૮મો પ્રાગટય દિન ભકતોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં. વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વિટ કરીને, સ્વામીજીને શ્રદ્ઘાંજલિ આપતા કહ્યું કે, દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પુજય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુઃખી છું. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમની પાસે પ્રાર્થના

 મળતી માહિતી પ્રમાણે, હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો. જયાંથી મંગળવારે સવારે ૧૧ વાગે પાર્થિવ દેહને હરિધામ સોખડા ખાતે લઇ જવાશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મૂકાશે.

  • પૂ. હરિપ્રસાદ સ્વામીજી બીએપીએસના પૂ. પ્રમુખસ્વામી મહારાજના ગુરૂભાઇ હતા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : 'દાસ ના દાસનું અનંત સફરે પ્રયાણ...' થયું છે. સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, ૮૮ વર્ષની વયે જીવનલીલા સંકેલી આજે સવારે ૧૧ વાગ્યે પાર્થિવદેહ સોખડા ખાતે લઇ જવાશે. સ્વામીજી બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂ ભાઇ હતા. તેમ જુનાગઢ ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે. યોગી ડીવાઇન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પૂ. હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુઃખી છું, વ્યથિત છું. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એ જ એમના પાસે પ્રાર્થના. તેમ શ્રધ્ધાંજલિ અર્પતા પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું.

  • ૩૧ જુલાઇ સુધી અંતિમ દર્શન : ૧લી ઓગસ્ટે અંતિમ સંસ્કાર

વડોદરા તા. ૨૭ : હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે ૨૭ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી હરિધામ સોખડા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. વિવિધ પ્રદેશ પ્રમાણે સંતો, મહાનુભાવો અને મુકતો દર્શન કરી શકશે. ૧ ઓગસ્ટ ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  • પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો : યોગી ડિવાઇન સોસાયટી

રાજકોટ તા. ૨૭ : યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને તા. ૨૬ના રાત્રે ૧૧ કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બીરાજી ગયા છે. અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહદભાવ અને અપ્રિતમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભકિત અને ગુરૂભકિતના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓશ્રીની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓશ્રીની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે - ગુરૂહરિચરણે અંતરની પ્રાર્થના... તેમ શ્રધ્ધાંજલિ અર્પતા સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગવલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ, અશોકભાઇ સેક્રેટરી અને યોગી ડિવાઇન સોસાયટીએ શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું.

(11:15 am IST)