Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભારતમાં કોવિડ-૧૯થી ૨૭ થી ૩૩ લાખ લોકોનાં મોત

ભારતમાં કોરોના વાયરસથી થયેલા મોતના આંકડાને લઇને નવો અભ્યાસ સામે આવ્યોઃ સરકારી ચોપડે ૪.૨૧ લાખ છે મોત : મધ્યપ્રદેશમાં ૧૯૮ ટકા મૃત્યુદર નોંધાયોઃ આ અભ્યાસ ૮ રાજયો અને ૭ શહેરોમાં નોંધાયેલા મૃત્યુદર પર આધારિત છે

નવી દિલ્હી, તા.૨૭: ભારતમાં કોરોના વાયરસથી થયેલા મોતના આંકડાઓ બાબતે એક નવું રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચમાં દાવો કરાયો છે કે ભારતમાં કોરોનાની બે લહેરો આવ્યા પછી ઓછામાં ઓછા ૨૭ લાખથી ૩૩ લાખ મોત થયા છે. આ રિસર્ચ ટોરંટો યુનિવર્સિટીમાં સેંટર ફોર ગ્લોબલ હેલ્થ  રિસર્ચના ડોકટર પ્રભાત ઝા અને ડો.પોલ નોવોસાદે કર્યુ છે. જો ભારત સરકારના આંકડાઓ માનીએ તો દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૪ લાખ ૨૧ હજાર મોત થયા છે.

 

ટોરંટો યુનિવર્સિટીનું આ રિસર્ચ જૂન ૨૦૨૦થી જૂન ૨૦૨૧ વચ્ચે ભારતના આઠ રાજયો અને સાત શહેરોમાં નોંધાયેલ સૌથી વધારે મોતના દર પર આધારિત છે. રિસર્ચમાં કહેવાયું છે કે ૨૦૨૦માં ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમ્યાન નોંધાયેલ સરેરાશ મૃત્યુદર ૨૨ ટકા હતો. આંધ્રપ્રદેશમાં ડેથ રેટ ૬૩ ટકા અને કેરળમાં ૬ ટકા હતો. આ વર્ષે એપ્રિલ અને જૂન વચ્ચે મહામારીની બીજી લહેર દરમ્યાન તે વધીને ૪૬ ટકા થઇ ગયો હતો. જયારે મધ્યપ્રદેશમાં ૧૯૮ ટકા સુધી પહોંચી ગયો હતો.

પહેલાના વર્ષોની સરખામણીમાં ૨૦૨૦ અને ૨૦૨૧માં કોઇપણ કારણે થયેલા મોતની સંખ્યા વચ્ચેનું અંતર વધારાનો મૃત્યુદર છે. રિસર્ચરોનું માનવું છે કે તેમાંથી મોટા ભાગના વધારાના મોત કોરોનાના કારણે થયા છે.

રિસચમાં દાવો કરાયો છે કે ૩૫ વર્ષથી વધુ વયના લોકોના મોતનું કારણ છેલ્લા બે વર્ષમાં કોરોના જ છે. આ પીયર-રિવ્યુ અભ્યાસને હાલમાં જ MedRixv પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ નાગરિક રજીસ્ટ્રેશન સીસ્ટમના મૃત્યુદરના આંકડાઓ પર આધારિત છે. આ ડેટાને આરોગ્ય પ્રબંધન સૂચના પ્રણાલી અને ટેલીફોનીક સર્વેક્ષણના માધ્યમથી એકત્ર કરવામાં આવ્યો છે, જે જન્મ અને મૃત્યુના બધા રેકોર્ડ રાખે છે.

(10:17 am IST)