Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પૂર્વોત્તરમાં સરહદ વિવાદ વકર્યો :આસામ-મિઝોરમ બોર્ડર પર લોહિયાળ ઝપાઝપી : છ જવાનોના મૃત્યુ

પથ્થરમારા અને ગોળીબારમાં પોલીસ અધિક્ષક સહીત 50 પોલીસકર્મી ઘાયલ : બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ PMO ના હસ્તક્ષેપની કરી માગ

પૂર્વોત્તરના બે રાજ્યો આસામ અને મિઝોરમની વચ્ચેનો સરહદીય વિવાદ વધુ વકર્યો છે. સરહદે થયેલા ગોળીબારમાં આસામ પોલીસના છ જવાનોના મોત થયા છે.

આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે મને એ જણાવતા અત્યંત દુખ થઈ રહ્યું છે કે આસામ-મિઝોરમ સીમા પર અમારા રાજ્યની બંધારણીય બોર્ડરની રક્ષા કરતી વખતે આસામ પોલીસના છ બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો છે. શોકાતૂર પરિવારો પ્રત્યે મારી સંવેદના. સરહદે વિવાદ વધતા બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રી કાર્યાલયના હસ્તક્ષેપની માગ કરી છે.

આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કછાર પોલીસ અધીક્ષક નિંબાલકર વૈભવ ચંદ્રકાંત સહિત ઓછામાં ઓછા 50 પોલીસકર્મી ગોળીબાર અને પથ્થરમારામાં ઘાયલ થયા છે.
બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ટ્વીટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યાં છે. હાલના તણાવે દાયકાઓથી ચાલી રહેલા વિવાદને હવા આપી છે. તેને લઈને રાજકારણ ગરમાયું છે.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તક્ષેપની માંગ કરતા ટ્વીટ કરી કહ્યુ કે, આ ઘટનાને તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ.
તેમણે કહ્યું કે ચાહરના રસ્તે મિઝોરમ આવતા નિર્દોષ દંપત્તિ પર ગુંડાએ હુમલો કર્યો અને તેની ગાડીમાં તોડફોડ કરી છે. આખરે આ પ્રકારની હિંસક ઘટનાઓને તમે કઈ રીતે ન્યાયયોગ્ય ઠેરવશો.

અસમના મુખ્યમંત્રી સરમાને ટ્વીટ કરીને ઝોરામથાંગાએ જવાબ આપ્યો અને અસમ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું- પ્રિય હિમંતાજી માનનીય અમિત શાહજી તરફથી મુખ્યમંત્રીઓની શાંતિપૂર્ણ બેઠક બાદ આશ્ચર્યજનક રૂપથી અસમ પોલીસની બે કંપનીઓએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં અસમ પોલીસે નાગરિકો પર ટીયર ગેસના સેલ છોડ્યા. તેમણે મિઝોરમની સરહદમાં સીઆરપીએફ કર્મીઓ અને મિઝોરમ પોલીસ પર પણ હુમલો કર્યો.

આમ તો બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે. બંને રાજ્યોએ સરહદ વિવાદને કતમ કરવા માટે વર્ષ 1995 બાદથી ઘણી વાર્તાઓ કરી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. મિઝોરમના ત્રણ જિલ્લા આઇઝોલ, કોલાસિબ અને મમિત અને અસમના ત્રણ જિલ્લા કછાર, કરીમગંજ અને હૈલાકાન્ડી એકબીજા સાથે જોડાયેલા છે. રાજ્યોના આ જિલ્લા એકબીજા સાથે લગભગ 164.6 કિલોમીટરની લાંબી સરહદ શેર કરે છે. હાલનો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમિત શાહે પૂર્વોત્તરનો પ્રવાસ કર્યો હતો.

(9:02 pm IST)