Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ભેખડ પાછળ છૂપાઈ જતાં બે પ્રવાસીનો આબાદ બચાવ થયો

શિમલામાં ભૂસ્ખલનથી ૯ પ્રવાસીએ જીવ ગુમાવ્યા હતા : તમામ ૧૧માંના અલગ રાજ્યના હતા, તેઓ એકબીજાને ઓળખતા નહોતા, તેમની ટૂર એક અઠવાડિયાની હતી

શિમલા, તા.૨૬ : હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભુસ્ખલનને કારણે રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. ભુસ્ખલનમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. દરમિયાન બે પ્રવાસીઓ એવા હતા જેમના નસીબે સાથ આપ્યો અને તેમનો જીવ બચી ગયો. તે સમયે પહાડ પરથી પત્થર એવી રીતે વરસી રહ્યા હતા જાણે પત્થરના સ્વરુપમાં મોત વરસી રહી હોય. એક ટેમ્પો ટ્રાવેલર પર ભેખડ ધસી પડવાને કારણે તેમાં સવાર તમામ પર્યટકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો.

પહાડ પરથી વાહન પર પત્થર પડવાને કારણે બે પર્યટકો નીચે પડી ગયા. બન્ને એક ભેખડની પાછળ છુપાઈ ગયા અને પોતાનો જીવ બચાવી લીધો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દિલ્હીના શિરીલ ઓબરોય અને મોહાલીના નવીન ભારદ્વાજે જણાવ્યું કે ગુરુવારના રોજ તેમના સહિત ૧૧ લોકો દિલ્હીમાં એકઠા થયા હતા. મોટાભાગના લોકો અલગ અલગ રાજ્યના હતા અને તેઓ એકબીજાને ઓળખતા નહોતા. હિમાચલમાં તેમની ટૂર લગભગ એક અઠવાડિયાની હતી.

ગુરુવારના રોજ તમામ લોકો દિલ્હીથી ચંદીગઢ થઈને નારકંડા પહોંચ્યા હતા. અહીં આરામ કર્યા પછી શનિવારના રોજ છિતકુલ પહોંચ્યા અને રવિવારના રોજ કલ્પા જવા માટે રવાના થઈ ગયા. અત્યારે બન્ને પ્રવાસીઓની સ્થિતિ સ્થિર છે, અને જિલ્લા પ્રશાસન અને રેસ્ક્યુ ટીમે પ્રાથમિક સારવાર કર્યા પછી તેમને ઘરે મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે દુર્ઘટના હિમાચલ પ્રદેશના કિન્નોરમાં સર્જાઈ હતી. સાંગતા-છિતકુલ રોડ પર ભૂસ્ખલન પછી પહાડો પરથી મોટા મોટા પત્થરો નીચે આવ્યા હતા. ઘટનામાં ટૂરિસ્ટના મોત થયા હતા.

 

(7:42 pm IST)