Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સંસદમાં વિપક્ષોનો હંગામોઃ કામકાજ સતત ઠપ્પ

પેગાસસ જાસુસી, કિસાન આંદોલન અને મીડિયા પર દરોડાના મામલે નારેબાજી-શોરબકોર-પોસ્ટર પ્રદર્શનઃ હંગામો : આજે ગૃહ શરૂ થતા જ વિપક્ષો બન્યા આક્રમકઃ 'પ્રધાનમંત્રી જાસુસી બંધ કરો, પ્રધાનમંત્રી જવાબ દો'ના નારા લગાવ્યા

 

નવી દિલ્હી, તા.૨૪: સંસદનું મોનસુન સત્ર અત્યાર સુધી ખુબ જ ધમાકેદાર રહયું છે. સત્રના પ્રથમ સપ્તાહમાં લોકસભા અને રાજયસભા બંને ગૃહોમાં એક દિવસ પણ યોગ્ય રીતે કામ થયું નથી. આજે કાર્યવાહી શરૂ થતા જ બંને ગૃહોમાં વિપક્ષોએ હોબાળો કર્યો. હોબાળાના લીધે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.

પેગાસસ જાસુસી, ખેડૂત આંદોલન અને મીડિયા પર દરોડા અંગે વિપક્ષ સરકાર પર હુમલાવર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખેડુતોના સમર્થનમાં આજે ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા તેઓએ કહયું કે તેઓ ખેડુતોનો સંદેશ લઇને સંસદ જઇ રહયા છે સરકારે ખેડુતોનો અવાજ સાંભળવો પડશે. સરકાર ખેડુતોનો હક્ક છીનવી રહી છે તેને દબાવામા આવી રહયા છે.

કૃષિ કાયદા અંગે દેખાવો કરી રહેલા અનેક કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામા આવી છે. તેમાં રણદીપ સુરજેવાતા અને બીવી શ્રી નિવાસ પણ સામેલ છે.

આજે જયારે સંસદની કાર્યવાહી ફરી શરૂ થઇ તો વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કર્યો. હોબાળાના લીધે રાજયસભાની કાર્યવાહી જયારે બીજી વાર શરૂ કરવામાં આવી તો વિપક્ષી સાંસદ પેગાસસ જાસૂસી મામલા વિરૂધ્ધ નારા લખેલી તખ્તીઓ લઇને ગર્ભગૃહમાં પહોંચ્યા. આ પોસ્ટરોમાં 'પ્રધાનમંત્રી જાસૂસ કરવાનું બંધ કરો' અને પ્રધાનમંત્રી જવાબ આપો- લખ્યું હતું.

સંસદ સત્ર દરમિયાન અહીં કલમ ૧૪૪ અમલમાં છે. ટ્રેકટરની સામે કૃષિ કાયદાઓ વિરુદ્ઘ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં વસ્તુઓ કહેવામાં આવી હતી.

કૃષિ કાયદા વિરુદ્ઘ કોંગ્રેસ પક્ષનું પ્રદર્શન ચાલુ છે અને આ એપિસોડમાં રાહુલ ગાંધી સોમવારે ટ્રેકટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોની વાત સાંભળવામાં આવી નથી. સરકારે આ ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે.

કાયદાઓ વિરુદ્ઘ દિલ્હીના જંતર મંતર ખાતે ખેડુતો દ્વારા કિસાન સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૦ ખેડૂત દરરોજ જંતર-મંતર ખાતે સંસદનું આયોજન કરશે, જે સંસદના ચોમાસુ સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા એક વર્ષથી દિલ્હીની ટીક્રી, સિંદ્યુ અને ગાઝીપુર બોર્ડર પર ખેડુતોનો વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવા જોઈએ, પરંતુ સરકારનું કહેવું છે કે કાયદા પાછા નહીં આવે. જો કોઇ ફેરફાર કરવો પડશે તો સરકાર વાટાઘાટો માટે તૈયાર છે.

(3:43 pm IST)