Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

BSF, RAW સેનાના અધિકારીઓના નંબર પણ Pegasus ટાર્ગેટ લિસ્ટમાં : નવા રીપોર્ટમાં ધડાકો

નવી દિલ્હી, તા. ર૬ :  પેગાસસ જાસૂસી કાંડમાં નવો ખુલાસો થયો છે. સર્વિલાસનો દાયરો સુરક્ષા અને જાસૂસી એજન્સી સુધી ફેલાવવામાં આવ્યો હતો. ધ વાયરના નવા રિપોર્ટ અનુસાર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના બે અધિકારી, RAWના એક પૂર્વ સીનિયર અધિકારી અને ભારતીય સેનાના ઓછામાં ઓછા બે અધિકારી સંભવિત સર્વિલાન્સ ના ટાર્ગેટ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

ઇઝરાયલની કંપની NSO ગ્રુપના પેગાસસ સ્પાઇવેરથી વિશ્વભરના ૧૦ દેશમાં આશરે ૫૦,૦૦૦ નંબરોને સંભવિત સર્વિલાન્સ અથવા જાસૂસીનો ટાર્ગેટ બનાવવામાં આવ્યા. લીક થયેલા ડેટાબેસમાં ૩૦૦ ભારતીય ફોન નંબર છે.

ધ વાયરના રિપોર્ટ કહે છે કે ૨૦૧૮માં BSFના પ્રમુખ રહેલા કેકે શર્મા, BSFના ઇંસ્પેકટર જનરલ જગદીશ મૈથાની, રિટાયર્ડ સીનિયર RAW અધિકારી જિતેન્દ્ર કુમાર ઓઝા અને તેમની પત્નીનો નંબર સંભવિત સર્વિલાન્સ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

ટાર્ગેટ લિસ્ટમાં બે ભારતીય સેનાના અધિકારીઓનું પણ નામ છે. કર્નલ રેન્કના આ બે અધિકારી કેટલાક મુદ્દા પર સરકાર વિરૂદ્ધ કોર્ટમાં ગયા હતા.

જોકે, આ ખબર પડી શકી નથી કે તેમાં કોઇ પણ નંબરની જાસૂસી થઇ છે કે નથી થઇ. કારણ કે તેના માટે ફોનનું ફોરેન્સિક એનાલિસિસ જરૂરી છે.

પેગાસસ સાથે જોડાયેલા જાસૂસી અને સંભવિત સર્વિલાન્સ રિપોર્ટ ઇન્ટરનેશનલ પત્રકારોનું એક કંસોર્ટિયમ છાપી રહ્યુ છે. લીક થયેલા ડેટાબેસની તપાસ ફ્રાંસની સંસ્થા ફૉરબિડેન સ્ટોરીજ અને એમનેસ્ટી ઇન્ટરનેશનલે કરી છે. જેનાથી ખબર પડે છે કે વિશ્વભરના પત્રકારો, એકિટવિસ્ટ અને નેતાઓના નંબર પેગાસસની ટાર્ગેટ લિસ્ટમાં નાખવામાં આવ્યા હતા.

૧૮ જુલાઇથી અત્યાર સુધી કેટલાક રિપોર્ટ છપાઇ ચુક્યા છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર, પૂર્વ ચૂંટણી અધિકારી અશોક લવાસા સહિત બે કેન્દ્રીય મંત્રીઓના નામનો ખુલાસો થયો છે.

કેટલાક પત્રકારો પર પણ કથિત જાસૂસી થઇ છે. સાથે જ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર યૌન શોષણનો આરોપ લગાવનારી મહિલાના ફોન નંબર પણ સંભવિત સર્વિલાન્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

જોકે, ભારત સરકારે જાસૂસીમાં કોઇ પણ રીતની ભૂમિકાથી ઇનકાર કર્યો છે. કેન્દ્રએ પેગાસસ પ્રોજેકટને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

(3:07 pm IST)