Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

૩૦ વર્ષોમાં મોંઘવારી કેટલી વધી અને સામે તમારી સેલેરી કેટલી વધી? જવાબ રાહત આપશે

છેલ્લા ૩૦ વર્ષની વાત કરીએ તો બધી વસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો છેઃ મોંઘવારીમાં ૧૨ ગણો વધારો થયો છે : તો તેની સામે આવકમાં પણ ૨૦ ગણો વધારો થયો છે : ૧૯૯૧માં લોકોની માથાદીઠ આવક ૫૩૮ રૂપિયા હતી જે ૨૦૨૧માં વધીને રૂપિયા ૧૨,૧૪૦ રૂપિયા થઈ ગઈ છે

નવી દિલ્હી,તા. ૨૬: ઉદારીકરણના ૩૦ વર્ષ પૂર્ણ થયા છે. ઉદારીકરણ પહેલા બધું સરકારના નિયંત્રણ હેઠળ હતું, જયારે ૧૯૯૧માં એલપીજી નીતિ રજૂ થયા પછી, ખાનગી કંપનીઓ માટે માર્ગ ખોલવામાં આવ્યા હતા. ઝડપથી વિદેશથી પણ રોકાણ આવવાનું શરૂ થયું અને ભારત વિકાસના માર્ગ પર ઝડપથી પ્રગતિ કરવા લાગ્યું. ખાનગી કંપનીઓની તકો મળતા અને વિદેશી રોકાણને વધવાથી લોકોની આવકમાં પણ ઝડપથી વધારો થવા લાગ્યો. ત્યારે જો આપણે છેલ્લા ૩૦ વર્ષોની વાત કરીએ, તો પછી બધી વસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો છે, પરંતુ રાહતના સમાચાર એ પણ છે કે લોકોની કમાણી પણ મોંદ્યવારીની તુલનામાં સારી એવી વધી છે. ચાલો આપણે આંકડાઓ પર એક નજર નાખીને આખું ગણિત સમજીએ.

જો આપણે ૧૯૯૧ ની વાત કરીએ તો તે સમયે લોકોની માથાદીઠ આવક ૫૩૮ રૂપિયા હતી. આજે ૨૦૨૧ માં તે વધીને ૧૨,૧૪૦ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લા ૩૦ વર્ષોમાં લોકોની માથાદીઠ આવક લગભગ ૨૦.૮ ગણી વધી છે.

૧૯૯૧ માં પ્યૂનનો પગાર આશરે ૭૫૦ રૂપિયા હતો, જે હવે લગભગ ૧૮,૦૦૦ રૂપિયા થઈ ગયો છે. એટલે કે ૨૪ ગણો વધારો છે.

૧૯૯૧માં  કેબિનેટ સચિવનો પગાર આશરે ૩૦ હજાર રૂપિયા હતો, જે આજે ૨.૫ લાખની આસપાસ છે. એટલે કે, પગારમાં ૮.૩ ગણો વધારો થયો છે.

૧૯૯૧માં  સૌથી વધુ વેતન મેળવતા સીઇઓનો પગાર ૬૫ લાખ રૂપિયા હતો. જે આજે ૬૪ કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે ૯૮.૫ ટકાનો વધારો જોવાયો છે.

ક્રિકેટરોની પ્રતિ ટેસ્ટ મેચ ફી ૯૦૦૦ રૂપિયાથી વધીને ૧૫ લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે લગભગ ૧૬૬.૭ ટકા જેટલો વધારો નોંધવામાં આવ્યો છે.

છેલ્લા ૩૦ વર્ષમાં ચોખાના ભાવમાં ૮.૪ ગણો વધારો થયો છે. ૧૯૯૧માં  તે ૨.૩ રૂપિયા પ્રતિ કિલો હતા. જે આજે પ્રતિ કિલો ૧૯.૪ રૂપિયા થઈ ગયા છે.

૧૯૯૧માં  દૂધ ૫.૫ રૂપિયા પ્રતિ લિટર વેચાતું હતું, જે આજે ૪૮ રૂપિયા થઈ ગયું છે. એટલે કે તેની કિંમતમાં પણ ૮.૭ ગણો વધારો થયો છે.

૧૯૯૧માં  એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ ૬૭.૯ રૂપિયા હતો, જે આજે ૨૦૨૧ માં ૧૨.૩ ગણો વધીને રૂ. ૮૩૪.૫૦ થયો છે.

૧૯૯૧માં , ૨૦૦ મિલી જેટલું સોફ્ટ ડ્રિંક લગભગ ૪.૫ રૂપિયામાં મળતું હતું, જે હવે ૨૦ રૂપિયામાં મળે છે. એટલે કે, ભાવમાં ૪.૪ ગણો વધારો થયો છે.

પેટ્રોલની કિંમત પણ ૧૯૯૧માં  દિલ્હીમાં ૧૪.૬૦ રૂપિયા પ્રતિ લિટર હતી જે વધીને ૧૦૧.૮ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, પ્રતિ લિટર પેટ્રોલના ભાવ લગભગ ૭ ગણા વધ્યા છે. વો શિંગ મશીનની કિંમત ૭૨૯૦ રૂપિયાથી વધીને ૧૦,૯૯૦ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, તેની કિંમતોમાં ૧.૫ ગણો વધારો થયો છે.

તે સમયે ૧૬૫ લિટરનું રેફ્રિજરેટર ૬૮૦૦ રૂપિયામાં મળતું હતું, જે હવે ૧૦ હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે, તેના ભાવમાં લગભગ ૧.૫ ગણો વધારો થયો છે.

ત્યારે ડોલરની કિંમત ૧૭.૯ રૂપિયા બરાબર હતી. જે આજે ૪.૧ ગણી વધીને રૂપિયા ૭૩.૪ પર પહોંચી ગઈ છે.

દિલ્હી-મુંબઇનું ઉદાહરણ લઈએ તો ૧૯૯૧ માં ફ્લાઇટની ટિકિટ ૧૮૦૦ રૂપિયા હતી, જયારે ૨૦૨૧માં  તેમાં ૧.૪ ટકા વધારો થયો છે અને કિંમત ૨૪૬૬ રૂપિયા થઈ ગઈ છે.

તેમજ દિલ્હીથી ન્યૂયોર્કની ફ્લાઇટની ટિકિટ ૫૦-૭૫ હજાર રૂપિયા હતી, જે હવે ઘટીને ફકત ૪૩ હજાર રૂપિયા થઈ ગઈ છે.

૧૯૯૧ના સૌથી સસ્તી કાર મારૂતિની હતી, જેની દિલ્હીમાં ઓન-રોડ કિંમત રૂ. ૧.૬૭ લાખ હતી, જે આજે રૂ. ૩,૨૯,૮૩૫ થઈ ગઈ છે. તેનો અર્થ એ કે લગભગ બે ગણા ભાવ વધ્યા છે.

(11:53 am IST)