Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

'અકિલા' સાંધ્ય દૈનિકના નામે 'મા ભવાનીના ભવ્ય મંદિર બાબતે સમગ્ર રાજપૂત સમાજ લેવાયો મહત્વનો નિર્ણય'...એવા મથાળા હેઠળ ખોટા મેસેજ વાયરલ કરાયાઃ પોલીસ ફરિયાદ

ફેસબૂક અને વ્હોટ્સએપ પર 'અકિલા બ્રેકિંગ ન્યુઝ સોશિયલ મિડીયા આવૃતિ'ની પ્લેટનો દૂરૂપયોગ કરાયોઃ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: સાંધ્ય દૈનિક 'અકિલા' દરરોજ સોશિયલ મિડીયા પર અકિલા બ્રેકીંગ ન્યુઝ સોશિયલ મિડીયા આવૃતિ મારફત પણ અઢળક સમાચારો વાંચકો સુધી પહોંચાડે છે. સમયાંતરે કોઇને કોઇ લેભાગુ કે વિઘ્ન સંતોષીઓ અકિલાની સોશિયલ મિડીયા આવૃતિની પ્લેટનો દૂરૂપયોગ કરી તેમાં ખોટા સમાચારો એડ કરી આવી ન્યુઝ પ્લેટ વહેતી કરી દે છે. અગાઉ પણ આ રીતે ચારેક વખત અકિલાના નામે ખોટા અફવા ફેલાવતાં ન્યુઝ કોઇ લેભાગુઓેએ વહેતા કરી દેતાં પોલીસ કમિશનરશ્રી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં કાર્યવાહી થઇ હતી. વધુ એક વખત ૨૪-૭-૨૧ શનિવારે કોઇએ 'માં ભવાનાની ભવ્ય મંદિર બાબતે રાજપૂત સમાજ લેવાયો મહત્વનો નિર્ણય...એવા મથાળા હેઠળ 'અકિલા'ની બ્રેકીંગ ન્યુઝ સોશિયલ મિડીયા પ્લેટમાં મેસેજ મુકી દઇ આ મેસેજ અકિલાના નામે સોશિયલ મિડીયા વ્હોટ્સએપમાં તેમજ ફેસબૂક પર  વાયરલ કરી દીધો છે. આ સમાચાર 'અકિલા' તરફથી આપવામાં આવ્યા નથી. પરંતુ કોઇએ 'અકિલા બ્રેકિંગ ન્યુઝ-સોશિયલ મિડીયા આવૃતિ'ની પ્લેટનો દૂરૂપયોગ કરી તેમાં 'સમસ્ત-ક્ષત્રિય રાજપૂત સમાજ-ગુજરાત'ના નામથી લખાણ મુકી મલિન ઈરાદાથી, 'અકિલા'ના નામે ખોટી અફવા ફેલાવવાના હેતુથી કર્યુ છે.

વર્ષોથી અકિલા દૈનિક પ્રસિધ્ધ થઇ રહ્યું છે અને લાખો વાચકો તથા ચાહકો છે. અકિલાએ સમાજમાં ખુબ જ પ્રતિષ્ઠા ભર્યુ, વિશ્વસનિય સ્થાન ઉભુ કર્યુ છે અને તટસ્થ દૈનિકની મોટી શાખ ધરાવે છે. અકિલા સાંધ્ય દૈનિકની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાના બદઇરાદાથી કોઇ ઇસમોએ આ ગેરકાનૂની કૃત્યુ આચર્યુ છે. તેની સામે તાત્કાલીક ધોરણસર કાનૂની પગલા ભરવા અમારી વિનંતી છે.

ખોટો મેસેજ અફવા રૂપે સમાજ વિરોધી વાયરલ કરવામાં આવ્યો છે. શનિવારે તા. ૨૪-૦૭-૨૦૨૧ના રોજ આ મેસેજ 'અકિલા'ની સોશિયલ મિડીયા આવૃતિની પ્લેટ સાથે જોઇન્ટ કરી અલગ અલગ ગ્રુપમાં વાયરલ કરાયો છે. જેના સ્ક્રીન શોટ આ અરજી સાથે સામેલ છે.

અગાઉ પણ 'અકિલા'ના નામે લોકડાઉન, મુખ્ય બજારો બંધ રહેશે...એ સહિતના ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતાં. ત્યારે પણ સાયબર ક્રાઇમ પોલીસે માનનીય પોલીસ કમિશનરશ્રીની રાહબરીમાં કાર્યવાહી કરી હતી. વધુ એક વખત એક ચોક્કસ સમાજના નામે મા ભવાનીના ભવ્ય મંદિરના નિર્ણય બાબતનો ખોટો મેસેજ કોઇએ વાયરલ કરી ગુનાહિત કૃત્ય આચર્યુ હોઇ તેની સામે ધોરણસર થવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. અમુક ફોન નંબરો પણ મળ્યા હોઇ સાયબર ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તસ્વીરમાં ફેસબૂક અને વ્હોટ્સએપ ગ્રુપમાં અકિલાની બ્રેકીંગ ન્યુઝ પ્લેટના નામે વહેતા થયેલા મા ભવાનીના ભવ્ય મંદિર...એવા મથાળા સાથેના ખોટા ન્યુઝના સ્ક્રીન શોટ તથા આ ન્યુઝ ફેક છે એ મતલબની 'અકિલા મેનેજમેન્ટ' દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે તે જોઇ શકાય છે.

(12:19 pm IST)