Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં NDRF જેવી રાહત ટીમ રચના કરાશે : સીએમ ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

ઉદ્ધવ ઠાકરે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી

મુંબઈ : મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદન વરસી રહ્યો છે. વરસાદનાં આ કહેરને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની  જેમ જ એક અલગ રાહત ટીમની રચના કરવામાં આવશે.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ મજબૂત બનાવવામાં આવશે. એ પણ જણાવી દઈએ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે.

રાજ્ય સરકારના આંકડાઓ મુજબ આ દુર્ઘટનાઓમાં લગભગ 100 લોકો ગુમ થવાની આશંકા છે. આ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 50 લોકો ઘાયલ પણ થયા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી હતી.

ચીપલૂનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યું કે, “વારંવાર થતી કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની જેમ એક અલગ રાહત ટીમની રચના કરવામાં આવશે.” તેમજ પૂર વ્યવસ્થાપન મશીનરી પણ લગાવવાની વાત પણ કરી હતી.

તેમણે સ્થાનિક પ્રશાસનને પૂરગ્રસ્ત લોકોને ભોજન, પાણી અને દવા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે તેઓ 27 મી જુલાઈએ તેમનો જન્મદિવસ ઉજવશે નહીં.

(12:00 am IST)