Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

દેશમાં કોરોનાથી મૃત્યુદર બીજા મોટા દેશ કરતા ઓછો : આગામી દિવસોમાં રોજના 10 લાખ ટેસ્ટીંગનો પ્રયાસ : વડાપ્રધાન મોદી

નોઇડા, કોલકત્તા અને મુંબઈમાં હાઈટેક લેબ,નું ઉદ્ધઘાટન કરતા પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોઇડા, કોલકત્તા અને મુંબઈમાં ભારતીય તબીબી સંશોધન પરિષદની  ત્રણ નવી લેબોનું ઉદ્ઘાટન કર્યુ. પીએમ મોદી એ જણાવ્યુ કે આજે દેશના કરોડો નાગરિક કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહ્યા છે. આજે જે હાઇટેક લેબ્સનું ઉદ્ઘાટન થયુ છે, તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશને કોરોના વિરુદ્ધ લડાઈ લડવામાં વધારે ફાયદો થશે.

પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકત્તા આર્થિક ગતિવિધિના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં દેશના લાખો યુવા પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા આવે છે. આવામાં દેશની વર્તમાન ટેસ્ટ કેપિસિટિમાં 10000નો વધારો થઈ જશે. આ લેબ્સ ફક્ત કોરોના ટેસ્ટિંગ સુધી જ સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં એચઆઈવી, ડેન્ગ્યૂ સહિત અન્ય ખતરનાક બિમારીઓની તપાસ પણ કરશે.

પીએમ મોદીએ જણાવ્યુ કે, દેશમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા. જેના લીધે ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણી સારી છે. આપણા દેશમાં કોરોનાથી થનારા મૃત્યુદર બીજા મોટા દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. સાથે જ આપણા ત્યાં રિકવરી રેટ પણ ખૂબ જ સારૂ છે.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ કે, આવનારા સમયમાં અનેક તહેવાર આવવાના છે. આ દરમિયાન આપણે સાવધાની રાખવાની જરૂર છે. તેની સાથે જ ગરીબોને અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે. જ્યા સુધી કોરોનાની નિશ્ચિત સારવાર ના મળી જાય ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ વગેરે દ્વારા જ કોરોનાથી બચી શકાય છે.

પીએમ મોદીએ જણાવ્યુ કે, આપણા દેશમાં લગભગ 10 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોના વિરુદ્ધ આ લડાઈમાં સૌથી મહત્વપૂર્ણ હતુ કે કોરોનાને જોતા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું. તેથી કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત પહેલા જ કરી હતી. ભારતે આઇસોલેશન, ટેસ્ટિંગથી લઇને નેટવર્ક સ્થાપિત કરવા સુધી ખૂબ જ સજાગતાથી કામ કર્યુ.

પીએમ મોદીએ જણાવ્યુ કે, સમગ્ર દેશમાં આજે 1300થી વધુ લેબ્સ કાર્યરત છે. આજે ભારતમાં પાંચ લાખથી વધુ ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે. આવનારા સમયમાં તેને 10 લાખ દૈનિક કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ મહામારી દરમિયાન દરેક બધા ભારતીયોને બચાવવાના સંકલ્પ સાથે જોડાયેલા છે. ભારતે જે કર્યુ તે એક સફળ કહાણી છે.

તેમણે આગળ જણાવ્યુ કે, એક સમયે ભારતમાં પીપીઈ કિટ્સનું ઉત્પાદન થતું નહતું. પરંતુ છ મહિનામાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો પીપીઈ કિટ્સ ઉત્પાદક દેશ બની ગયો છે. આપણા દેશમાં દરરોજ પાંચ લાખથી વધુ પીપીઈ કિટ્સ બની રહી છે. આજે ભારતમાં દરરોજ ત્રણ લાખથી વધુ N-95 માસ્ક બની રહ્યા છે. આજે આપણે એક વર્ષમાં ત્રણ લાખ વેન્ટિલેટર્સ બનાવી શકે છે. સામૂહિક પ્રયાસના કારણે લોકોના જીવ બચી રહ્યા છે. તેની સાથે જ ભારત આયાત થતી વસ્તુનું નિર્યાત કરી રહ્યા છે.

લેબ ઉદ્ઘાટન દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે સાથે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોના ટેસ્ટિંગ વધ્યા છે. તેના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. આ વાયરસ એટલું જ ઘાતક છે જેટલું શરૂઆતના દિવસોમાં હતુ.

(10:36 pm IST)