Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જાહેર ક્ષેત્રની 23 કંપનીઓમાં સરકારની ભાગીદારી વેચવાની તૈયારી : યોગ્ય કિંમત મળવાનો ઇન્તઝાર

ચાલુ વર્ષે 2,10 લાખ કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતામરને આજે કહ્યું કે, જાહેર ક્ષેત્રની 23 કંપનીઓમાં સરકારની ભાગીદારી વેચવાની પ્રક્રિયા પૂરી કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કંપનીઓમાં સરકારની ભાગીદારી વેચવાને મંત્રીમંડળની મંજૂરી મળી ચુકી છે. તેમણે કહ્યું કે, સરકાર આવા સમયમાં જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચવા ઈચ્છે છે, જ્યારે તેને યોગ્ય કિંમત મળે. સીતારમને કહ્યું, પહેલા જ 22-23 પીએસયૂને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે મંત્રીમંડળની મંજૂરી મળી ચુકી છે. અમારો ઇરાદો સ્પષ્ટ છે કે ઓછામાં ઓછી આ કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે 2.10 લાખ કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્‍ય રાખ્યું છે. તેમાંથી 1.20 લાખ કરોડ રૂપિયા પીએસયૂના ડિસઇન્વેસ્ટમેન્ટથી આવશે અને 90 હજાર કરોડ નાણાકીય સંસ્થાઓમાં ભાગીદારી વેચીને ભેગા કરવામાં આવશે.

નાણામંત્રીએ હીરો એન્ટરપ્રાઇઝના ચેરમેન સુનીલ કાંત મુંજાલ સાથે વાતચીતમાં કહ્યું કે, સરકારે આત્મનિર્ભર પેકેજ હેઠળ ઘણા ક્ષેત્રને ખાનગી ભાગીદારી ખોલવા માટે કહ્યું છે. તેમણે કહ્યું, હજું આ વિશે અંતિમ નિર્ણય થયો નથી કે ક્યા સેક્ટરોને સ્ટ્રેટેજિક કહેવામાં આવશે. તેની જાહેરાત થવાની છે અને હજુ તે અનુમાન ન લગાવી શકુ કે શું જાહેરાત થઈ શકે છે. પરંતુ સ્ટ્રેટેજિક સેક્ટરોમાં પણ ખાનગી ક્ષેત્રને આવવાની મંજૂરી હશે અને તેમાં જાહેર ક્ષેત્રના માત્ર ચાર યૂનિટ હશે. નાણામંત્રીએ કહ્યું કે, તેઓ પીએસયૂને કન્સોલિડેટ કરશે અને સાથે તેમના કામકાજનો પણ વિસ્તાર કરવામાં આવશે.

(9:57 pm IST)