Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના કાળમાં ભારતીય રેલ્વે દ્વારા યાત્રિકોની સુવિધા માટે બેલથી લઇને કોચની અંદર સીસીટીવી જેવી ૨૦ સુવિધાઓઃ પિયુષ ગોયલની જાહેરાત

નવી દિલ્હીઃ પીએમ મોદીના આહ્વાન બાદ આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવામાં રેલવે લાગી ગયું છે. રેલવે તરફથી ઘણા ઇનહાઉસ ઇનોવેશન કરવામાં આવ્યા છે. તેમાં એલર્ટ કરવા માટે બેલથી લઈને કોચની અંદર સીસીટીવી જેવા કુલ 20 ઇનોવેશન કરવામાં આવ્યા છે. તેની જાણકારી ખુદ રેલવે મંત્રી પીષૂય ગોયલે એક ટ્વીટ કરીને આપી છે. તેમણે તેનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે.

એલર્ટ બેલની વ્યવસ્થા

રેલવેના ઇનોવેશનમાં એલર્ટ બેલ પણ સામેલ છે. ટ્રેન રવાના થતાં પહેલા યાત્રિકોને એલર્ટ કરવા માટે બેલ વાગશે. એટલે કે જો કોઈ યાત્રિ પાણી લેવા કે કંઇ ખાવાનો સામાન લેવા માટે ટ્રેનથી ઉતર્યો છે તો ત્યારે તેને જાણ થઈ જશે કે ટ્રેન શરૂ થવાની છે અને તે ટ્રેનમાં ચઢી જશે. તેનાથી લોકોની ટ્રેન છૂટવાની આશંકા ઓછી થઈ જશે.

દરેક કોચમાં હશે સીસીટીવી

રેલવેમાં ગમે ત્યારે કોચની અંદર મારપીટ, ચોરી કે લૂટ જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેનો સામનો કરવા માટે રેલવેએ કોચની અંદર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. શરૂઆત થઈ ચુકી છે અને તેનાથી ટ્રેનમાં થતી ચોરી અને મારપીટ જેવી ઘટનાઓ ઝડપથી ઓછી થઈ જશે.

મોબાઇલ પર મળશે અનરિઝર્વ ટિકિટ

કોરોના કાળમાં ફિઝિકલ કોન્ટેક્ટથી બચવા અને દરેકને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા માટે પ્રેરિત કરવાના ઈરાદાથી રેલવેએ મોબાઇલ પર અનરિઝર્વ ટિકિટ જારી કરવાનો નિર્ણય લીધો છે, જેથી યાત્રિકોને ખાસ સુવિધા મળી શકે. આ ટિકિટ મોબાઇલ એપ અને બ્લૂટૂથ પ્રિન્ટરની મદદથી જારી કરવામાં આવશે.

વીજળી વગર મળશે ઠંડુ પાણી

રેલવેના ઇનોવેશનમાં વીજળીનો ઉપયોગ ન કરનારા પાણીનું કુલર પણ છે, જેને બોરીવલી, દહાનૂ રોડ, નંદુરબાર, ઉધના અને બાંદ્રા રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવ્યું છે. તેનાથી રેલ યાત્રિકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવી શકાશે, તે પણ વીજળીનો ખર્ચ કર્યા વગર. રેલવેના આ પગલાની ખુબ પ્રશંસા થઈ રહી છે.

આવા છે કુલ 20 ઇનોવેશન

રેલવેએ આવા એક બે નહીં, પરંતુ 20 ઇનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં યાત્રિકોની સુરક્ષા વધારી શકા અને તેને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. ઇનોવેશન હેઠળ અલ્હાબાદ રેલવે સ્ટેશન પર એર ક્વોલિટીની જાણકારી આપનાર એર ક્વોલિટી ઇક્વિપ્મેન્ટ લગાવવામાં આવ્યું છે.

(4:43 pm IST)