Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સાઉથની અભિનેત્રી વિજયલક્ષ્મી દ્વારા આપઘાતનો પ્રયાસ

હોસ્પિટલમાં એડમિટ કરાઇ

ચેન્નાઇ તા. ૨૭ : સાઉથની એકટ્રેસ વિજયલક્ષ્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે જે બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી છે. વિજયલક્ષ્મી સાઉથની ફિલ્મો 'ફેન્ડ્સ' અને 'બોસ એન્ગીરા ભાસ્કરન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વિજયલક્ષ્મી છેલ્લા કેટલાક દિવસોથી રાજનેતા સીમન વિરુદ્ઘ નિવેદનો આપી રહી હતી. કહેવાઈ રહ્યું છે કે તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ છે અને તે ઝડપથી રિકવર થઈ રહી છે.

હાલમાં જ વિજયલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે એકટરથી રાજનેતા બનેલા સીમન અને તેની પાર્ટીએ તેને ટોર્ચર કરી. પોતાના આ વીડિયોમાં વિજયલક્ષ્મીએ કહ્યું, આ મારો અંતિમ વીડિયો છે અને છેલ્લા ૪ મહિનાઓથી સીમન અને તેની પાર્ટીના લોકોના કારણે હું તણાવમાં આવી ગઈ છું. પોતાની બહેન અને માતાના કારણે મેં જીવતા રહેવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ હાલમાં જ હરિનાદરે મને મીડિયામાં ખૂબ અપમાનિત કરી. મેં પહેલા જ મારી બીપીની કેટલીક ગોળીઓ ખાઈ લીધી છે, આથી થોડા સમયમાં મારું બ્લડ પ્રેશર લો થઈ જશે અને થોડા કલાકોમાં મારું મોત થઈ જશે.

પોતાના આ વીડિયોમાં વિજયલક્ષ્મીએ કહ્યું, મારો વીડિયો જોઈ રહેલા ફેન્સને હું જણાવવા ઈચ્છું છું કે હું કર્ણાટકમાં પેદા થઈ આ કારણે સીમને મને ખૂબ ટોર્ચર કરી. એક મહિલા તરીકે મેં બધુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે હું પ્રેશર હેન્ડલ નથી કરી શકતી. હું પિલ્લાઈ કોમ્યુનિટીની છું જેના LTTEના નેતા પ્રભાકરણ હતા. આજે સીમન જે પણ છે તે માત્ર પ્રભાકરણના કારણ છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર મને સતત પરેશાન કરી રહ્યા છે.

વીડિયોમાં વિજયલક્ષ્મીએ સીમન પર આરોપ લગાવતા કહ્યું, તે મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા જેના કારણે હું ખૂબ પીડામાં છું અને આ બધાનો સામનો કર્યા બાદ હું આ પગલું ઉઠાવી રહી છું. હું પોતાના ફેન્સને અપીલ કરું છે કે આ કેસમાં સીમનને બચવા ન દેતા. તેને કયારેય આગોતરા જામીન ન મળે. મારી મોત તમામ લોકો માટે આંખો ખોલનારી હોવી જોઈએ. હું કોઈની ગુલામ બનીને જીવવા નથી માગતી.

(4:19 pm IST)