Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

વાહ ભૈ વાહ... સંધિવાની સારવારમાં વપરાતી ટોસિલિઝુમેબથી કોરોનાના ૭૪% દર્દીને રાહત

દવાથી ૨૫ ટકા દર્દીઓના જીવ બચ્યા અને ૭૪ ટકાની સ્થિતિમાં સુધારો થયો

નવી દિલ્હી તા. ૨૭ : સંધિવાના દર્દીઓની સારવારમાં વપરાતી ટોલિસિઝુમેબ દવાનો કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવારમાં ઉપયોગ થઈ રહ્યો છે. દર્દીમાં જયારે શરીરની ઈમ્યુન સિસ્ટમમાં બળતરાના સંકેતો દેખાય ત્યારે આ રોગપ્રતિકારક શકિત વધારતી દવાનો ઉપયોગ કરાય છે.

પરંતુ દવા કોરોનાના દર્દી પર કેટલી અસરકારક છે? ગુજરાતમાં આ દવાનો ઉપયોગ પર થયેલા અભ્યાસમાં દવાના ઉપયોગ બાદ અસરકારકતાની કેટલીક બાબતો સામે આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, દવાથી ૨૫ ટકા દર્દીઓના જીવ બચાવી શકાયા છે અને ૭૪ ટકા દર્દીઓની સ્થિતિમાં સુધારો થયો છે.

આ અભ્યાસને 'સેફટી એન્ડ ઈફિસિયન્સી ઓફ ટોસિલિઝુમેબ ઈન ધ ટ્રિટમેન્ટ ઓફ સેવેર એકયુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ-૨ ન્યૂમોનિયાઃ અ રિસ્ટ્રોસ્પેકિટવ કોહોર્ટ સ્ટડી' શીષર્ક હેઠળ ઈન્ડિયન મેડિકલ જર્નલ ઓફ મેડિકલ બાયોલોજીના લેટેસ્ટ એડિશનમાં પબ્લીશ કરાયો હતો. આ રિસર્ચ ટીમમાં રાજયની કોવિડ-૧૯ કમિટીના સભ્ય ડો. અતુલ પટેલ અને ડો. તુષાર પટેલે ઉપરાંત દેશના ૬ એકસપર્ટ અને અમેરિકાનું પણ યોગદાન છે.

આ રિસર્ચ પેપરના નિષ્કર્ષમાં લખાયું છે કે, દર્દીમાં SARS CoV-2 ન્યૂમોનિયાથી તાવ, હાઈપોકિસઆ, CRP અને D-Dimerની સ્થિતિમાં સમયપર ટોસિલિઝુમેબનો ઉપયોગ જીવન બચાવી શકે છે. રિસર્ચમાં જણાવાયું છે કે, ૨૦ દર્દીઓ જેમને ટોસિલિઝુમેબ દવા અપાઈ હતી, તેમાંથી ૧૦ને ડાયાબિટિસ અને ૧૦ને હાઈપરટેન્શન તથા હાર્ટની સમસ્યા હતી. દર્દીઓની ઉંમર ૪૭થી ૬૩ વર્ષની વચ્ચે હતી. હોસ્પિટલમાં એડમિટ થતા સમયે ૧૭ દર્દીઓને તાવ હતો, ૧૨ને કફ અને ૧૦ને શ્વાસ લેવામાં તકલીફ હતી. જયારે બેને ઝાડા, ગળામાં દુઃખાવો અને સ્વાદ તથા સુગંધ નહોતી આવતી. આ ૨૦ દર્દીઓમાંથી ૭ને વેન્ટીલેટરની જરૂર નહોતી પડી.

D-Dimer બ્લડ ટેસ્ટ બ્લડ કોટની ઉપસ્થિતિને દર્શાવે છે. જયારે CRP તે C-રિએકિટવ પ્રોટિન છે જે બળતરાના કારણે લિવરમાં ઉત્પન્ન થાય છે. આ અભ્યાસ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા ૨૦ એપ્રિલથી ૨૧ મે વચ્ચે એડમિટ થયેલા ૬૫ દર્દીઓ પર હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૦ દર્દીઓને ટોસિલિઝુમેબ દવાની જરૂર પડી હતી.

કેવી રીતે ડોકટર્સને આ દવાનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવ્યો? તેના પર એકસપર્ટ કહે છે, આ નિર્ણય ત્રણ બાબતોના આધારે લેવામાં આવે છે. જો લોહીમાં ઓકિસજનનું પ્રમાણ ૯૪ ટકાથી નીચે હોય, જો CRP સામાન્ય કરતા ૧૦ ગણું વધુ હોય અથવા ૨૪ કલાકમાં ડબલ થઈ જાય અને જો લોહીમાં D-dimer પ્રત્યેક મિલિમિટરે ૨૫૦૦ નેનોગ્રામથી વધારે હોય તો આવી સ્થિતિમાં ડોકટર ટોસિલિઝુમેબનો ઉપયોગ કરે છે.

આ ત્રણ લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી અને વધુ તાવ હોવાના કિસ્સામાં પણ તેનો ઉપયોગ કરાય છે. રિસર્ચમાં કહેવાયું છે કે, ઈન્જેકશનના ઉપયોગ બાદ ઉપરના તમામ લક્ષણોમાં સુધારો જોવા મળે છે અને તે સીટિ સ્કેનમાં પણ જોઈ શકાય છે. મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં સમયસર આ દવાના ઉપયોગથી વેન્ટીલેટર, ICUમાં દાખલ કરવાના ચાન્સ ઘટે છે અને મૃત્યુદરને ઘટાડી શકાય છે.

(2:47 pm IST)