Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બે મહિના પહેલા કોરોનાથી મુકત થઈ ચૂકેલા પોલીસ ઈન્સ્પેકટરને ફરીથી લાગ્યો ચેપ!

બીજી વાર કોવિડથી સંક્રમિત થતા તેમની સારવાર કરતા ડોકટર્સ પણ પરેશાન છે

નવી દિલ્હી,તા.૨૭ : ભારતમાં દિવસેને દિવસે કોરોના વધુ ઘાતક બની રહ્યો છે. દરરોજ નોંધાતા કેસની સંખ્યા ૫૦૦૦૦ની સપાટી તરફ આગળ વધી રહી છે. શું અગાઉ કોરોનાથી મુકત થઈ ચૂકેલા વ્યકિતને ફરીથી કોરોનાનો ચેપ લાગી શકે છે? જો કે અગાઉ આવા ઘણા કિસ્સા બની ચૂકેલા છે. ત્યારે હવે દિલ્હીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં એક પોલીસ ઈન્સ્પેકટર બે માસના સમયગાળામાં જ ફરીથી કોરોનાગ્રસ્ત થયા છે.

બીજી વાર કોવિડથી સંક્રમિત થતા તેમની સારવાર કરતા ડોકટર્સ પણ પરેશાન છે.

મીડિયા રિપોર્ટ મુજબ સૌપ્રથમવાર Asymptomatic લક્ષણો જોવા મળતા તેમનો ૧૩જ્રાક મેના રોજ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ૨૫મી મેના રોજ હોસ્પિટલની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ૧૦મી જુલાઈના રોજ ફરીથી તેમના કોરોનાનો લક્ષણો જોવા મળતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ફરીથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓ હોમ કવોરેન્ટાઈન થયા હતા.

બાદમાં તેમને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ તેઓ સ્વસ્થ છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ફરીથી ચેપ લાગ્યો હોય તેવો દિલ્હીનો આ બીજો કેસ છે.

અગાઉ હિન્દુ રાવ હોસ્પિટલમાં એક નર્સને કોરોનાનો બીજીવાર ચેપ લાગ્યો હતો. જોકે, કોવિડ-૧૯ની  સારવાર કરતા ડોકટરોમાં ચાલતી ચર્ચા મુજબ આ બંને કેસમાં કદાચ તેઓના અગાઉ ટેસ્ટનું પરિણામ ભૂલ ભરેલું હોઈ શકે છે.

(11:35 am IST)