Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બંગાળની ખાડીમાં સિસ્ટમ્સો ઓછી બની જેથી દેશભરમાં વરસાદમાં ઘટાડો નોંધાયો

આ વર્ષે અલનિનો નહિં પણ આઈઓડી ન્યુટ્રલ રહેતા ચોમાસામાં અસંતુલીતતા જોવા મળે છેઃ કાલથી ત્રણ- ચાર દિવસ ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબમાં ભારે વરસાદ પડશેઃ બિહારમાં પણ હજુ તબાહી મચાવશેઃ ઉતરાખંડમાં વાદળો ફાટશે, ભૂસ્ખલન થશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે આ સપ્તાહ દરમ્યાન દેશના અમુક ભાગોમાં ચોમાસુ સક્રિય રહેશે. ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબમાં મેઘતાંડવ જોવા મળશે. જયારે ઉતરાખંડમાં વાદળો  ફાટશે, ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાશે. બિહારવાસીઓને રાહત મળવાની નથી. પુર જેવી સ્થિતિ અને નદીઓ ઉફાન ઉપર રહેશે.

આ વર્ષે નેઋત્યના ચોમાસાનું વ્હેલું આગમન થઈ ગયું હતું. દેશભરમાં ચોમાસુ સામાન્ય આસપાસ રહેશે. તેવું વિશેષજ્ઞોએ જણાવાતા લોકોને રાહત મળી હતી. પરંતુ આ વર્ષે અલનીનોની નહિ પણ આઈઓડી ન્યુટ્રલ રહેતા ચોમાસુ અસંતુલીત જોવા મળી રહ્યું છે. ચોમાસાના આગમન બાદથી બંગાળની ખાડીમાં ખૂબ જ ઓછી વરસાદી સિસ્ટમો બની છે. જેનો વધુ પ્રભાવ વધુ પડડો મધ્ય ભારતમાં જોવા મળે છે. બંગાળની ખાડીની સિસ્ટમોની અસરથી દેશભરમાં વરસાદી એકટીવીટી જોવા મળતી હોય છે. છતિસગઢ, ઓડીસ્સા, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં સારો વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે જુનના મધ્યભાગોમાં કોઈ ભારે સિસ્ટમ્સ બની નથી. જેથી વરસાદનું વધુ પ્રમાણ જોવા મળ્યું નથી. જેથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછુ જોવા મળ્યું છે.

દેશભરમાં સામાન્યથી ઓછો વરસાદ પડતાં અમુક જગ્યાએ ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આગામી દિવસોમાં પણ અમુક ભાગોમાં વરસાદી એકટીવીટી ખાસ જોવા મળી રહી નથી.

સ્કાયમેટ દ્વારા આગામી ૨૪ કલાકની આગાહી કરતા જણાવ્યું છે કે વરસાદ સિમિત વિસ્તારોમાં જોવા મળશે. આજે ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર તેમજ પૂર્વોતર ભારતના આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારે વરસાદની શકયતા છે. જયારે મધ્ય ભારતમાં છતિસગઢ, ઓડીસ્સા, મધ્યપ્રદેશમાં હળવાથી મધ્યમ, દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં હળવાથી મધ્યમ, મહારાષ્ટ્રમાં પણ આવું જ વાતાવરણ રહેશે.

આવતીકાલ ૨૮મીથી દેશભરમાં નેઋત્યના ચોમાસાની હલચલમાં વધારો થવાનો છે. ખાસ કરીને પૂર્વોતર ભારતમાં વધુ અસર જોવા મળશે. ઉતર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં અસર જોવા મળશે. તા.૨૮ થી ૩૧ જુલાઈ દરમ્યાન ઉત્તર- મધ્યપ્રદેશમાં જે વિસ્તારોમાં વરસાદ પડયો નથી. તે વિસ્તારોમાં સંભાવના છે ૩૦મીએ પંજાબમાં વધુ અસર જોવા મળશે.

જયારે ઉત્તરાખંડમાં ૨૮મીથી ૩૧મી સુધી વ્યાપક વરસાદ પડશે. ભૂસ્ખલન અને વાદળો પણ ફાટશે. આગામી એક સપ્તાહ સુધી પંજાબ, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ, બિહારમાં પણ ભારે વરસાદની શકયતા છે.

મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં ઓડીસ્સાથી ગુજરાત સુધી સારા વરસાદની શકયતા જોવા મળતી નથી. જો કે દક્ષિણ ભારત કર્ણાટક અને તેલંગાણામાં ૨૮મીથી ભારે વરસાદની સંભાવના છે.

(11:31 am IST)