Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પાકના પંજાબમાં ૧૦૦ જેટલાં પાઠ્ય પુસ્તકો ઉપર પ્રતિબંધ

અનેક પુસ્તકોમાં ટુ નેશન થિયરી અંગે ખોટી માહિતી છે : અન્ય પુસ્તકોની સામગ્રીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરાશે

ઈસ્લામાબાદ, તા. ૨૬ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે એક ભારે મોટા નિર્ણય અંતર્ગત શાળાઓમાં ભણાવવામાં આવતા ૧૦૦ પુસ્તકો પર પ્રતિબંધ મુકી દીધો છે. પંજાબ સરકારના કહેવા પ્રમાણે આ પુસ્તકો દ્વાર ઈશનિંદા અને ચિંતાજનક પાઠ ભણાવવામાં આવતા હતા. પંજાબ કરિકુલમ એન્ડ ટેક્સ્ટબુક બોર્ડ (પીસીટીબી)ના વહીવટી સંચાલક રાય મંજૂર નાસિરના કહેવા પ્રમાણે કેટલાક પુસ્તકો એવા છે જેમાં પાકિસ્તાનના સંસ્થાપક 'કાયદે આજમ' મોહમ્મદ અલી જિન્ના અને રાષ્ટ્રીય શાયર અલમ્મા મોહમ્મદ ઈક્બાલની ખોટી જન્મતિથિ લખવામાં આવી છે. તે સિવાય કેટલાક પુસ્તકોમાં 'ટુ નેશન થિયરી' અંગે પણ ખોટી જાણકારી આપવામાં આવી છે.

રાય મંજૂર નાસિરના કહેવા પ્રમાણે ૧૦૦થી પણ વધારે એવા પુસ્તકો છે જેમાં ચિંતાજનક કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. તેમાં ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, લિંક ઈન્ટરનેશનલ પાકિસ્તાન, પેરાગોન બુક્સ જેવી કંપનીઓ પણ સામેલ છે જેના પુસ્તકો શાળામાં ભણાવવામાં આવે છે. આ કારણે કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નાસિરના કહેવા પ્રમાણે પ્રતિબંધિત પુસ્તકોમાં પાકિસ્તાન વિરોધી કન્ટેન્ટ પણ લખવામાં આવેલા છે. પીસીટીબીએ તાજેતરમાં જ આ પુસ્તકોને તરત બજારમાંથી દૂર કરવા નિર્દેશ આપ્યો હતો. નાસિરના કહેવા પ્રમાણે પાકિસ્તાની બાળકોને આપત્તિજનક વસ્તુ ભણાવવામાં આવે તે સરકાર કોઈ હિસાબે સહન નહીં કરે. આગામી છ મહીના દરમિયાન અન્ય પુસ્તકોમાં રહેલી સામગ્રીનો પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. ગત મહીને પંજાબ પ્રાંતની સરકારે વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરીને બ્રિટિશ-અમેરિકી લેખક લેસ્લી હેજલ્ટનના બે પુસ્તકો પ્રતિબંધિત કર્યા હતા. સરકારના આરોપ પ્રમાણે તે પુસ્તકોમાં ઈશનિંદાની વાતો લખવામાં આવી હતી.

(12:00 am IST)