Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઉત્તર કોરિયામાં કોરોનાનો પ્રથમ કેસ, ઈમરજન્સી લાગુ

શંકાસ્પદ દર્દી સાઉથ કોરિયાથી પાછો ફર્યો હતો : વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવ્યો છે પરંતુ કહ્યુ કે તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ છે અને રક્ત સ્ત્રાવ પણ થયો છે

પ્યોંગયાંગ, તા. ૨૬ : દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ છે, આ દરમિયાન ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો સંદિગ્ધ કેસ સામે આવી ગયો છે. દેશમાં કોરોનાનો આવો પહેલો કેસ સામે આવતા જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને ઈમરજન્સી લાગુ કરી દીધી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગેરકાયદેસર રીતે સરહદ પાર કર્યા બાદ દક્ષિણ કોરિયામાંથી પાછા ફરેલા એક કોવિડ સંદિગ્ધની જાણકારી સામે આવ્યા બાદ ઈમરજન્સી પોલિટ બ્યુરોની બેઠક બોલાવી અને ઈમરજન્સીની જાહેરાત કરી દીધી. રિપોર્ટ અનુસાર જો આ કેસની પુષ્ટિ થઈ જાય છે તો આ ઉત્તર કોરિયાઈ અધિકારીઓ દ્વારા સત્તાકીય રીતે સ્વીકાર કર્યાનો કોરોના વાઈરસનો પ્રથમ કેસ હશે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે એક વ્યક્તિ જે ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા ગયો હતો, તે આ મહિને સરહદ પાર કરીને પાછો ફર્યો છે. તેવામાં કોવિડ-૧૯ ના આવા લક્ષણ જોવા મળ્યા છે.

          જોકે,  KCNAએ જણાવ્યું નથી કે શુ તે વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યો છે પરંતુ કહ્યુ કે તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ છે અને રક્ત સ્ત્રાવ પણ થયો છે. જોકે એ જણાવાયુ છે કે તેમનો મેડિકલ ચેક-અપ જરૂર કરવામાં આવ્યો છે. હાલ તે દેખરેખ હેઠળ છે. ઉત્તર કોરિયાના ક્યુંગહી યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યુ કે આ જાહેરાત કરવુ ઘણુ મહત્વપૂર્ણ છે. ના માત્ર એટલે કે ઉત્તર કોરિયા પહેલી વાર શંકાસ્પદ કોરોના વાઈરસ મામલે જણાવી રહ્યુ છે પરંતુ આનાથી એક પ્રકારની મદદની અપીલ થઈ રહી છે. છેલ્લા ૭૦ વર્ષથી કિમ ફેમિલીનું ઉત્તર કોરિયા પર શાસન ચાલે છે જેમણે લોકોને બહારની દુનિયાથી સાવ અલિપ્ત રાખવામાં આવ્યા છે આથી ઉત્તર કોરિયામાં કોરોના વાયરસની કેટલી અસર થઇ છે એ અંગે પણ કશીજ માહિતી મળતી નથી. કોરોના વાયરસની છેલ્લી અપડેટ આપતી વિવિધ વેબસાઇટ્સ પર પણ ઉત્તર કોરિયાની સ્થિતિ અંગે કોઇ જ માહિતી મળતી નથી.  ઉત્તર કોરિયામાં જો કોઇ કોરોનાનું  સંક્રમણ જોવા મળેતો દર્દીને ગોળી મારવાનો આદેશ અપાયો હોવાના સમાચાર થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.

(12:00 am IST)