Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

યશવંત સિન્‍હાએ ભર્યુ ઉમેદવારીપત્ર

રાષ્‍ટ્રપતિની ચૂંટણીઃ રાહુલ અને અખિલેશ રહ્યા હાજર

નવી દિલ્‍હી તા. ૨૭ : વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્‍હાએ ઉમેદવારી નોંધાવી છે. આ અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપી નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા. એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને ટીએમસીના સુધીન્‍દ્ર કુલકર્ણી સહિત અન્‍ય વિપક્ષી નેતાઓ હાજર હતા. આ પ્રસંગે રાજયસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા, જેઓ રાહુલ ગાંધીની બાજુમાં બેઠેલા જોવા મળ્‍યા હતા.

આ સિવાય યશવંત સિન્‍હાની ઉમેદવારીનું સમર્થન કરનાર તેલંગાણાની સત્તાધારી પાર્ટી TRSના નેતાઓ પણ આજે સવારે પહોંચી ગયા હતા. જમ્‍મુ-કાશ્‍મીરના ફારૂક અબ્‍દુલ્લા પણ આ પ્રસંગે પોતાનું સમર્થન વ્‍યક્‍ત કરવા પહોંચ્‍યા હતા. શાસક એનડીએ ગઠબંધન દ્વારા મેદાનમાં ઊતરેલી દ્રૌપદી મુર્મુને યશવંત સિંહા પડકારશે. જોકે, દ્રૌપદી મુર્મુની જીત મહદઅંશે નિતિ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે NDA બહુમતીના આંકડાથી થોડે જ દૂર છે, જયારે YSR કોંગ્રેસ, બીજુ જનતા દળ જેવા પક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. આવી સ્‍થિતિમાં મુર્મુની જીત નિતિ માનવામાં આવે છે.

વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ઘણા રાઉન્‍ડ મંથન થયા હતા અને તે પછી યશવંત સિન્‍હાના નામ પર મહોર લાગી હતી. જો કે, તેમના વિશે પણ મતભેદો જોવા મળી રહ્યા છે અને સીપીએમના બંગાળ યુનિટે તેમના નામનો વિરોધ કરતા કહ્યું છે કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. તેમના નામ પર નિર્ણય લેતા પહેલા વિપક્ષી પાર્ટીઓ અને મમતા બેનર્જીએ શરદ પવારને ઉમેદવાર બનવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી. તેમના સિવાય મહાત્‍મા ગાંધીના પૌત્રે પણ આ વાતને નકારી કાઢી હતી. જેના કારણે અંતે યશવંત સિંહાના નામ પર સર્વસંમતિ સધાઈ હતી.

(3:53 pm IST)