Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

એશિયાનું સૌથી જુનુ વર્તમાન પત્ર ''મુંબઇ સમાચાર'' ૧૯૮મો વાર્ષિક સ્થાપના દિવસ ઉજવશેઃ ૧૮૨૨ની સાલમાં શરૂ કરાયેલ વર્તમાન પત્રની ૨ સદી જેટલી યાત્રાની ૧ જુલાઇ ૨૦૧૯ના રોજ ઉજવણી કરાશે

મુંબઇઃ ભારતના બીજા નંબરના સૌથી જુના વર્તમાનપત્ર 'મુંબઇ સમાચાર' ના ઉપક્રમે ૧ જુલાઇ ૨૦૧૯ના રોજ ૧૯૮મો વાર્ષિક સ્થાપના દિવસ ઉજવાશે.

૧૮૨૨ની સાલમાં ફરદુનજી મર્ઝબાન દ્વારા સ્થપાયેલું તથા હાલમાં કામા પરિવાર સંચાલિત આ વર્તમાનપત્ર મુંબીના સમાચાર નામથી શરૂઆતમાં ૧૦ વર્ષ સુધી સાપ્તાહિક તરીકે પ્રસિધ્ધ થતું હતું. બાદમાં દ્વિસાપ્તાહિક તરીકે અને ૧૮૫૫ની સાલથી દૈનિક વર્તમાન પત્ર તરીકે પ્રસિધ્ધ થઇ રહ્યું છે.

મુંબઇ સમાચાર દૈનિકના ૧૯૮મા વાર્ષિક સ્થાપના દિનની ઉજવણી નિમિતે ચેરીટી કાર્યક્રમ, મુંબઇમાં સાંસ્કૃતિ કાર્યક્રમો, તથા ગુજરાતી ભાષાને પ્રોત્સાહિત 'કરતા કાર્યક્રમો યોજાશે. તથા નવા ૨૦ લેખકો સાથે નવી આવૃતિ બહાર પાડશે.

૨૦૦ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન ટકી રહેવું એટલું જ નહિ સ્થાપકોએ નક્કી કરેલી નીતિ રીતિઓને વળગી રહીને આગળ વધવાની આ ઐતિહાસિક સિધ્ધી તથા પ્રાચીન પરંપરા તંત્રી શ્રી નિલેષ દવેએ વર્ણવી હતી. તથા તટસ્થ અને પ્રમાણિક પણે સમાચારો આપવાનું કાર્ય તેમજ નક્કી કરેલ નિયમો મુજબ જ જાહેરાતો પ્રસિધ્ધ કરવાનું ધ્યેય જાળવી રાખ્યુ હોવાનું જણાવ્યું હતું.

૧ લાખ ૫૦ હજાર નકલોનો ફેલાવો ધરાવતું આ વર્તમાન પત્ર અગ્રણી પ્રાદેશિક સમાચાર પત્ર છે જે ગુજરાતી પ્રજાજનો દ્વારા હોંશે હોંશે વંચાય છે.

૧૯૮મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગ વિશ્વના પ્રદુષિત ગણાતા શહેરોમાંના એક તેવા મુંબઇમાં કાર્યરત ટ્રાફિક કોન્સ્ટેબલ્સને ઓકસીજન માસ્કસ અપાશે તેમજ ગુજરાતી ભાષાને પ્રોત્સાહિત કરવા માટે ફ્રી ગુજરાતી કોંચીંગ કલાસ શરૂ કરાશે.

વિશેષ માહિતી શ્રી હર્ષલ નાયક કોન્ટેક નં.૦૯૬૧૯૭ ૦૦૧૬૧ અથવા શ્રી કિરણ રાવના કોન્ટેક નં.૦૯૬૧૯૭ ૦૦૧૬૪ દ્વારા મળી શકશે. તેવું શ્રી હર્ષલ નાયકની યાદી જણાવે છે. 

(7:55 pm IST)