Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ઈરાકમાં ભગવાન રામ અને હનુમાનના 4200 વર્ષ જૂના ભીંતચિત્રો મળ્યાનો દાવો

ભારતીય પ્રતિનિધિ મંડળ ઈરાકના પ્રવાસે ગયેલ : તેમને ભગવાન રામની છબીનું ભીંતચિત્ર જોવા મળ્યુ

નવી દિલ્હી :તાજેતરમાં ભારતીય પ્રતિનિધિ મંડળ ઈરાકના પ્રવાસે ગયુ હતુ જ્યાં તેને અમુક એવા ભીંતચિત્રો જોવા મળ્યા છે કે જે ચર્ચાનો વિષય બની ગયા છે. પ્રતિનિધિ મંડળનો દાવો છે કે તેમને ભગવાન રામની છબીનું ભીંતચિત્ર જોવા મળ્યુ છે. અયોધ્યા શોધ સંસ્થાએ પણ દાવો કર્યો છે કે આ ભીંતચિત્ર ભગવાન રામની છબી છે કે જે દરબંદ-ઈ-બેલુલા ચટ્ટાનમાં બનેલી છે. આ વિસ્તાર ઈરાકના હોરેન શેખાનમાં આવે છે. અહીં એક પત્થર ઉઘાડા શરીરવાળા રાજાને દર્શાવાયા છે જેમના હાથમાં ધનુષ અને તીર છે. આ ઉપરાંત તેમની પાસે એક તરકશ અને કમરમાં પટ્ટામાં એક ખંજર પણ જોવા મળ્યુ છે.

 આ ભીંતચિત્ર પર બનેલા રાજાની હથેળીઓ પર એક છબી પણ જોવા મળે છે જેના વિષે અયોધ્યા શોધ સંસ્થાના નિર્દેશક યોગેન્દર પ્રતાપ સિંહનું કહેવુ છે કે આ ભગવાન હનુમાનની છબી છે. વળી, આ ભીંતચિત્ર વિશે ઈરાકનું કહેવુ છે કે આ છબી પહાડી જનજાતિના પ્રમુખ ટાર્ડુની છે. તમને જણાવી દઈએ કે ઈરાકમાં ભારતીય રાજદૂત પ્રદીપ સિંહ રાજપુરોહિતની આગેવાનીમાં ભારતનું એક પ્રતિનિધિ મંડળ અહીં ગયુ હતુ. આના માટે સંસ્કૃતિ વિભાગ અંતર્ગત આવતા અયોધ્યા શોધ સંસ્થાને અનુરોધ કર્યો હતો ત્યારબાદ તેમને અહીં જવાની અનુમતિ આપવામાં આવી હતી.

એબ્રિલ વાણિજ્ય દૂતાવાસના એક ભારતીય રાજનાયક, ચંદ્રમૌલી કર્ણ, સુલેમાનિયા વિશ્વ વિદ્યાલયના ઈતિહાસકાર અને કુર્દિસ્તાનના ઈરાકી રાજ્યપાલ પણ આ અભિયાનમાં શામેલ થવા માટે પહોંચ્યા હતા. આ આખી શોધ વિશે અયોધ્યા શોધ સંસ્થાના નિર્દેશક યોગેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવુ છે કે બેલુલાલ દર્રેમાં આ નિશાન ભગવાન રામનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને તે એ વાતની પુષ્ટિ કરે છે કે ભગવાન રામ માત્ર કહાનીઓમાં નથી. આ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ ભારત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓ વચ્ચે સંબંધને દર્શાવનાર પ્રમાણને પણ ભેગુ કર્યુ છે.

(12:40 pm IST)