Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ખાનગી બસ ઓપરેટરોને પરમીટરાજમાંથી મળશે મુકિત

કેન્દ્ર સરકાર દેશની સાર્વજનિક પરિવહન સેવામાં ઘરખમ ફેરફારો કરવા જઇ રહી છેઃ મોટર વ્હીકલ એકટ સુધારાશેઃ ખાનગી બસો પણ સરકારી બસ સ્ટેન્ડથી ઉપાડી શકાશેઃ લોકો પાસે સરકારી કે ખાનગી બસમાં મુસાફરીનો વિકલ્પ હશે

નવી દિલ્હી તા.૨૭: કેન્દ્ર સરકાર દેશની સાર્વજનિક પરિવહન સેવમાં ધરમૂળથી પરિવર્તન કરવા જઇ રહી છે. નવી વ્યવસ્થામાં ખાનગી બસ ઓપરેટરોને પરમીટ સીસ્ટમથી છૂટકારો મળી જશે. આ સાથેજ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં બહેતર કનેકટીવીટી માટે ખાનગી ઓપરેટરો ડીલક્ષ બસો પણ ચલાવી શકશે. સરકારનો ઉદ્દેશ દેશની જનતાને સસ્તી, આરામપ્રદ,સુરક્ષિત અને બાધારહિત બસ સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. આના માટે સરકાર મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. આ માટેના ખરડાને કેબિનેટે મંજૂર કરી દીધો છે અને ટુંક સમયમાં તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં રાજય પરિવહન વિભાગ દ્વારા પરમીટ સીસ્ટમ હેઠળ ખાનગી બસો ચલાવાય છે. જેમાં દરેક રૂટપર ખાનગી બસોની સંખ્યા નક્કી હોય છે. પણ નવા ખરડામાં ખાનગી બસ ઓપરેટરોને પરમીટ સીસ્ટમથી છૂટકારો આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

સડક પરિવહન ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે તેનાથી દેશભરના કોઇ પણ રૂટ પર ખાનગી બસ ઓપરેટરો પોતાની મરજી અનુસાર બસો ચલાવી શકશે. જેમાં ડીલક્ષ,સેમી ડીલક્ષ અને સુપર ડીલક્ષ, ડબલ ડેકર, ઇલેકટ્રીક અને વોલ્વો બસો પણ સામેલ છે. ખાનગી બસો રોડને બદલે સરકારી બસ સ્ટેન્ડ પરથી ચલાવી શકશે. લોકો પાસે સરકારી અથવા ખાનગી બસમાં મુસાફરી કરવાનો વિકલ્પ રહેશે.

સરકારી બસ સ્ટેશનો જે વર્ષો પુરાણા અને જર્જરિત થઇ ગયા હોય તેને પીપીપી અથવા સરકારી પૈસે મોડર્ન બસ પોર્ટમાં ફેરવવામાં આવશે. આ બસ પોર્ટમાં સાફ ટોઇલેટ, વેઇટીંગ હોલ, ટીકીટ કાઉન્ટર, રેસ્ટોરા, બસો,કાર અને ટુ વ્હીલર માટે અલગ અલગ પાર્કિગની સુવિધાઓ હશે. બસ પોર્ટ બનાવવામાં ૪૦ ટકા ખર્ચ સડક પરિવહન મંત્રાલય અને ૬૦ ટકા રાજય સરકારે રોકાણ કરવાનું રહેશે

(11:30 am IST)