Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

લઘુમતીઓ સહિત સૌનો વિશ્વાસ જીતશે મોદી સરકાર

ભાજપના એજન્ડામાં લઘુમતીઓ પણ... બન્યો ટુ ટાયર પ્લાન : સરકારી યોજનાઓનો બદલશે ચહેરો : લઘુમતીઓની રખાશે કાળજી : સામાજીક સમરસતા પર ભાર

નવી દિલ્હી, તા. ર૭ : બીજા કાર્યકાળ માટે એનડીએના નેતા ચૂંટાયા પછી પહેલા ભાષણમાં વડાપ્રધાન મોદીએ ર૦૧૪ના એજન્ડા 'સબકા સાથ -સબકા વિકાસ'માં સબકા વિશ્વાસ પણ જોડી દીધું. હવે આ રસ્તે ચાલતા તેમણે લઘુમતીઓનો વિશ્વાસ જીતવા માટે ટુ ટાયર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

પ્લાન-૧ સરકારી યોજનાઓનું માળખુ બદલાશે.

કેન્દ્રિય લઘુમતી કલ્યાણ મંત્રાલય અને ભાજપા શાસિત સરકારોને કહેવાયું છે કે તે પોતાના હેઠળના લઘુમતી મંત્રાલયો દ્વારા ચલાવાની યોજનાઓને નવુ સ્વરૂપ આપે. યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે અને તે વ્યવહારિક અને આકર્ષક હોય. જનતા સુધી યોજના પહોંચાડવાની જવાબદારી સ્થાનિક સરકારોની રહેશે. પીએમઓ સમયાંતરે મીટીંગ કરીને જાણશે કે આ યોજનાઓનો કેટલો લાભ લોકોને મળી રહ્યો છે. ભાજપા શાસિત રાજયોને એ પણ કહેવામાં આવ્યું છે કે જો તેઓ પોતાના રાજયોમાં મુસ્લિમ વસ્તીના આધારે લઘુમતી કલ્યાણ મંત્રાલયનું બજેટ વધારવા માંગતા હોય તો તેની પણ ના નથી. બીજા રાજયોની સારી યોજનાઓને અપનાવે આ એકશન પ્લાન પર કેન્દ્રિય લઘુમતી મંત્રાલયે કામ શરૂ કરી દીધું છે. કેન્દ્રિય લઘુમતી કલ્યાણ પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં લઘુમતી સમુદાયના પાંચ કરોડ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપશે. જેમાં છોકરીઓનો પ૦ ટકા હિસ્સો રહેશે. મદરેસાના વિદ્યાર્થીઓને પણ કોમ્પ્યુટર અને વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ ઉપલબ્ધ કરાશે.

પ્લાન-ર સામાજિક સમરસત્તા પર ભાર મુકાશે

વડાપરધાન મોદીનું માનવું છે કે દિલો વચ્ચેનું અંતર ઘટાડવા માટે સામાજીક સમરસતા વધારવી પડશે. ભાજપાના સાંસદો અને ધારાસભ્યોને એવો સંદેશ અપાયો છે કે ચૂંટણીમાં કોણે મત આપ્યા છે અને કોણે નહીં તેની વાત ન કરવી.

તેમણે સુખદુઃખમાં લઘુમતી સમુદાયની સાથે રહેવાનું છે આની અસર ઇદ વખતે જોવા પણ મળી હતી. અલગ-અલગ શહેરોમાં ભાજપા સાંસદ ઇદની નમાજ પછી મુસ્લિમ વસ્તીમાં જઇને અભિનંદન આપ્યા. યુપીમાં નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા પોતે ઇદગાહ ગયા હતા, એવું પણ કહેવામાં આવ્યું છે કે જો લઘુમતી સમાજની કોઇ વ્યકિત વિરૂદ્ધ ભીડ દ્વારા કોઇ હિંસા કરવામાં આવે તો આરોપીઓ વિરૂદ્ધ સ્થાનિક સરકારે તાત્કાલીક કાર્યવાહી કરવી જોઇએ. સ્થાનિક નેતાઓએ આવા આરોપીઓના ટેકામાં કોઇપણ પ્રકારે ઉભુ ન રહેવું જોઇએ.

મોદી સરકારની આ પહેલનો લાભ ભાજપા લેવાની છે. સરકારી યોજનાઓ દ્વારા લાભ મેળવનાર લઘુમતી સમાજના સભ્યોની યાદી અલગથી બની રહી છે. પક્ષની યોજના આ લાભાર્થીઓને રૂબરૂ મળવાની છે.

(11:25 am IST)