Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ‘ભગવી’ જર્સી કેમ? :કોંગ્રેસ-સપાએ ઉઠાવ્યો વાંધો: આઇસીસીએ કલર કોમ્બિનેશન અંગે કર્યો ખુલાસો

મુંબઈ ;વર્લ્ડકપમાં ભારતીય ટીમની જર્સીની ભગવા કલર સામે વિવાદ છેડાયો છે ઇંગ્લેન્ડ સામે મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમની ભગવા રંગની જર્સીને લઈને કેટલાક રાજનીતિક દળોએ આ જર્સી પર વાંધો ઉઠાવ્યો છે અને કેન્દ્રની  મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

   કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ જર્સીના કલરમાં ભગવા રંગને પસંદ કરવા બદલ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનો મત છે કે બીસીસીઆઈએ આ રંગ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે પસંદ કર્યો છે. બીજેપીએ આ આરોપોને ફગાવી દીધા છે. બીજી તરફ આઈસીસીએ કહ્યું છે કે કલર કોમ્બિનેશન તેમની તરફથી બીસીસીઆઈને મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 જૂને બર્મિઘમમાં મુકાબલો થવાનો છે.

    જોકે હજુ સુધી સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સામે આવી નથી. સોશિયલ મીડિયામાં જર્સીની અલગ-અલગ તસવીરો શેર કરવામાં આવી રહી છે. જોકે એ સ્પષ્ટ થયું છે કે ઇંગ્લેન્ડ સામે જે મેચ થશે તેમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં ઓરેન્જ શેડ પણ હશે.

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે મોદી આખા દેશને ભગવા રંગમાં રંગવા માંગે છે. મોદીજી ને બતાવવા માંગીશ કે ઝંડાનો કલર આપનાર મુસ્લિમ હતો. તિરંગામાં બીજા પણ રંગો છે ફક્ત ભગવો જ કેમ. તિરંગાના રંગમાં જર્સી હોત તો સારું હતું.
કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નસીમ ખાને કહ્યું છે કે મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજનીતિ શરુ થઈ છે. આ સરકાર દરેક બાબતમાં ભગવાકરણ તરફ આગળ વધી રહી છે.

 

(12:26 am IST)