Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અરૂણ શૌરીએ સર્જિકલ સ્ટ્રાઇકને 'ફર્જિકલ સ્ટ્રાઇક' ગણાવતા વિવાદ

મોદી સરકાર નીતિ વિહીન છે

નવી દિલ્હી તા. ૨૭ : પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા અરુણ શૌરીએ ફરી એક વાર મોદી સરકારને આડે હાથ લીધી છે. અરુણ શૌરીએ સર્જિકલ સ્ટ્રાઇકને લઇને સરકાર પર નિશાન તાકયું છે. અરુણ શૌરીએ સર્જિકલ સ્ટ્રાઇકને લઇનેે વ્યંગ કરતાં જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક 'ફર્જિકલ સ્ટ્રાઇક' હતી. તેમણે જણાવ્યું હતું કે કામ સેના કરે છે, પરંતુ સરકાર પોતાની પીઠ થપથપાવે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પાસે કાશ્મીર અને પાકિસ્તાનને લઇનેે કોઇ નીતિ જ નથી. અરુણ શૌરીએ જણાવ્યું હતું કે કાશ્મીરના લોકોએ વિકિટમ કાર્ડ રમવાનું બંધ કરવું પડશે. અરૂણ શૌરીએ સૈફુદ્દીન સોઝને નિશાન બનાવનારા લોકોને જણાવ્યું હતું કે સોઝ સમસ્યા નથી, પરંતુ તેઓ સમસ્યાને ઉજાગર કરી રહ્યા છે. અરુણ શૌરી કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝ દ્વારા કાશ્મીર પર લખવામાં આવેલ પુસ્તક 'ગ્લિમ્પ્સીઝ ઓફ હિસ્ટરી એન્ડ ધ સ્ટોરી ઓફ સ્ટ્રગલ'ના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અરુણ શૌરીએ મોદી સરકાર પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા.

મોદી સરકાર નીતિ વિહીન છે તેમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે સરકાર પાસે ન તો પાકિસ્તાન, ન તો ચીન કે ન તો કાશ્મીરનેે લઇને કોઇ નીતિ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે 'ફર્જિકલ સ્ટ્રાઇક' શબ્દનો પ્રયોગ મેં સેના માટે નહીં, પરંતુ સરકાર માટે કર્યો છે. અરુણ શૌરીએ જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકથી સ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી.(૨૧.૧૯)

(3:36 pm IST)