Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જિમ્નાસ્ટિક અરુણા રેડ્ડીએ કોચ પર લગાવ્યા ગંભીર આરોપ:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરશે તપાસ

શારીરિક ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેની સંમતિ વિના તેની વીડિયોગ્રાફી કર્યાનો આરોપ કોચ રોહિત જયસ્વાલ પર લગાવ્યો

ભારતીય જિમ્નાસ્ટિક અરુણા બુદ્ધ રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે શારીરિક ફિટનેસ ટેસ્ટ દરમિયાન તેની સંમતિ વિના તેની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. અરુણાએ આનો આરોપ કોચ રોહિત જયસ્વાલ પર નાખ્યો છે. હવે આ મામલાની તપાસની જવાબદારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) દ્વારા લેવામાં આવી છે. સાઈએ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ટીમ) રાધિકા શ્રીમાન આ સમિતિની અધ્યક્ષતા કરશે. તપાસ સમિતિમાં રાધિકા ઉપરાંત કોચ કમલેશ તિવાના અને ડેપ્યુટી ડાયરેક્ટર (ઓપરેશન) કૈલાશ મીના પણ સામેલ છે.

અરુણાએ કોચ રોહિત જયસ્વાલ સામે આક્ષેપો કર્યા હતા, જેમને અગાઉ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (GFI) દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી. અરુણાએ કહ્યું કે માર્ચ મહિનામાં ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીએ GFI વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ SAIએ આ મામલાની તપાસની જવાબદારી લીધી હતી. આ કમિટી બંને પક્ષોના નિવેદનનો રેકોર્ડ કરશે અને આગામી સપ્તાહ સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે.

SAIને આરોપી કોચ જયસ્વાલ પાસેથી રિપોર્ટ મળી ચૂક્યો છે. SAIના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, આ મામલો આજે સવારે પ્રકાશમાં આવ્યો. અમે આરોપી કોચ પાસેથી પહેલા જ રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, અમે મામલાની તપાસ કરવા અને સત્ય બહાર લાવવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિને તેના તારણો દાખલ કરવા માટે આવતા સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જીએફઆઈના પ્રમુખ સુધીર મિત્તલે દાવો કર્યો હતો કે, ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજિત ફિટનેસ ટેસ્ટ દરમિયાન આવું કોઈ રેકોર્ડિંગ કરવામાં આવ્યું નથી.

મેં પાટીલ (ડૉ. મનોજ પાટીલ) અને જયસ્વાલ (સાઈ કોચ રોહિત જયસ્વાલ) સાથે વાત કરી નથી, પરંતુ મેં આ બાબતની સત્યતા જાણવા માટે મુખ્ય કોચ દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા નંદી (બિશેશ્ર્વર નંદી) સહિત ટેકનિકલ સમિતિના સભ્યોની સલાહ લીધી છે. તેમણે પીટીઆઈ સાથે વાત કરી. તેમના મતે, ટ્રાયલ દરમિયાન આવું કોઈ રેકોર્ડિંગ કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું, હવે મામલો SAI પાસે છે. હવે SAIએ આ મામલે નિર્ણય લેવાનો છે.

(8:29 pm IST)