Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ચાંદીની વસ્તુ પર હોલમાર્કિગ અંગે સરકારની વિચારણા

ચાંદીના દાગીના-વાસણોમાં ભેળસેળ પર શિ કંજો કસાશે : ચાંદી ખરીદતી વખતે ગ્રાહકો તેમને ૯૦ ટચ ચાંદીનું મૂલ્ય ચુકવે છે પરંતુ તેમને ૪૦થી ૬૦ ટચની ચાંદી જ મળે છે

નવી દિલ્હી, તા.૨૭ : ઘણી વખત મહિલાઓ ચાંદીની જૂની પાયલ, પગની વીંટીઓ, સિક્કા વગેરે વેચીને સામે નવી કોઈ વસ્તુ ખરીદવા માટે જ્વેલર્સના ત્યાં જતી હોય છે. જોકે મોટા ભાગના કેસમાં તેમને પોતાની જૂની ચાંદીની વસ્તુમાં મોટા પાયે ભેળસેળ હોવાની જાણ થાય છે. આ કારણે તેમને તેની પૂરતી કિંમત નથી મળતી અને નુકસાન થતું હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર હવે ચાંદીના હોલમાર્કિંગ અંગે પણ વિચારણા કરી રહી છે. ચાંદીના હોલમાર્કિંગ બાદ મહિલાઓને છેતરપિંડીથી રાહત મળશે.

ગોલ્ડ હોલમાર્કિંગ શરૃ થયા બાદ લોકોને નકલી સોનામાંથી ઘણે અંશે મુક્તિ મળી ગઈ છે પરંતુ હજુ પણ ચાંદીના ઘરેણા, વાસણો, મૂર્તિઓ અને સિક્કાઓની શુદ્ધતા અંગે ગ્રાહકોમાં ચિંતા જોવા મળતી હોય છે. ચાંદીના ઘરેણાં-સિક્કાઓ-વાસણો વગેરે ખરીદતી વખતે ગ્રાહકો હંમેશા અસમંજસમાં હોય છે કે, તેમને મળી રહેલી ચાંદી કેટલા ટચની હશે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અહેવાલ પ્રમાણે લોકલ જ્વેલર્સ પાસેથી ચાંદી ખરીદતી વખતે ગ્રાહકો તેમને ૯૦ ટચ ચાંદીનું મૂલ્ય ચુકવે છે પરંતુ તેમને ૪૦થી ૬૦ ટચની ચાંદી જ મળતી હોય છે. એક સર્વે પ્રમાણે ચાંદીમાં ૨૦%થી ૬૦% ટકા સુધીની ભેળસેળ સામે આવી છે. ૨૦%થી ૪૦% સુધીની આવી ભેળસેળ ચાંદીના વાસણો, ઘરેણાં અને મૂર્તિઓમાં નોંધાઈ છે. ગોલ્ડ હોલમાર્કિંગ શરૃ થવા પાછળ પણ આ પ્રકારનું ભેળસેળનું કારણ જ જવાબદાર હતું. એક સર્વેમાં જયપુરમાં સોનાના ૫૦% આભૂષણો ભેળસેળવાળા કે સ્ટાન્ડર્ડ વગરના નોંધાયા હતા.

ગ્રાહકોને ચાંદીની ખરીદીમાં છેતરપિંડીથી બચાવવા માટે કેન્દ્ર સરકાર હોલમાર્કિંદનું ક્ષેત્ર વધારવા અંગે વિચારણા કરી રહી છે. મતલબ કે હવે ટૂંક સમયમાં જ સોનાની માફક ચાંદીના ઉત્પાદનો પણ હોલમાર્ક સાથે વેચાઈ શકે છે. હાલ તે માટેના ટેક્નિકલ પાસાઓ પર ધ્યાન આપાવમાં આવી રહ્યું છે. સોનાની સરખામણીએ ચાંદી સસ્તી હોવાથી તેના હોલમાર્કિંગના ખર્ચા ઉપરાંત અન્ય પાસાઓ અંગે વિચારણા ચાલી રહી છે.

(8:02 pm IST)