Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ખાદ્યતેલનું ટેન્કર પલટી જતાં લોકોએ તેલની લૂંટ કરી

ગુજરાતથી નિકળેલું ટેન્કર જોધપુર તરફ જઈ રહ્યું હતું : લોકોની વાસણો લઈને તેલ લૂંટવા માટે પડાપડી : દરેક વ્યક્તિ વાસણો લઈને દોડાદોડી કરતી જોવા મળી હતી

બાડમેર, તા.૨૭ : રાજસ્થાનના બાડમેર જિલ્લાના પચપદરા થાણા ક્ષેત્ર પાસે ખાદ્ય તેલ ભરેલું ટેક્નર પલટી જવાની ઘટના સામે આવી છે. ભાંડિયાવાસ ગામ પાસે નેશનલ હાઈવે પર ટેક્નર પલટી જવાની ખબર ફેલાતાં જ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. લોકો નાના-મોટા વાસણો લઈને તેલ લૂંટવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ઘટના સ્થળે દરેક વ્યક્તિ હાથમાં વાસણો લઈને દોડાદોડી કરતી જોવા મળી હતી. તેલનું ટેક્નર પલટી ગયાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને ખસેડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ ક્રેનની મદદથી ટેક્નરને સીધું કરાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે ટેક્નરને પોતાના કબજામાં લઈને પોલીસ સ્ટેશનમાં મુકાવી દીધું હતું. જાણવા મળ્યા મુજબ આ ટેક્નર ગુજરાતથી નીકળ્યું હતું અને જોધપુર તરફ જઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના સુરતથી મુંબઈ પ્રોસેસિંગ માટે જઈ રહેલું ખાદ્ય તેલ ભરેલું ટેક્નર પલટી જવાની ઘટના બની હતી. રવિવારના રોજ બનેલી તે ઘટનામાં પણ લોકોએ તેલ લૂંટવા માટે દોટ મુકી હતી.

 

(7:55 pm IST)