Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કેદારનાથઃ શ્રદ્ધાળુઓના ધસારાએ ઘોડા-ખચ્‍ચરોને થકવી દીધાઃ ૧૬ દિવસમાં ૬૦ પ્રાણીઓના મોત

વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘોડા-ખચ્‍ચરો પાસે એક જ દિવસમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ૨ થી ૩ ચક્કર લગાવડાવી રહ્યા છે : પ્રાણીઓના મૃતદેહોને યોગ્‍ય અંતિમ વિધિ કરવાના બદલે નીચે મંદાકિની નદીમાં ફેંકી રહ્યા છે જેથી નદી પ્રદૂષિત થાય છે

રૂદ્રપ્રયાગ, તા.૨૭: ચારધામ યાત્રામાં આ વખતે કેદારનાથ ધામની યાત્રા શ્રદ્ધાળુઓની પહેલી પસંદ બની રહી છે. પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરીને આ વખતે ૨૦ દિવસની યાત્રામાં ૩.૫ લાખ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચુક્‍યા છે. જોકે આ યાત્રામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહેલા ઘોડા અને ખચ્‍ચરોની ભારે અવગણના થઈ રહી છે. તેમના માટે કોઈ પણ પ્રકારની પૂરતી વ્‍યવસ્‍થા નથી અને તેમના અવસાન બાદ વિધિવત દાહ સંસ્‍કાર પણ નથી કરવામાં આવતા.
કેદારનાથના ચાલીને જવાના માર્ગ પર ઘોડા-ખચ્‍ચરોના અવસાન બાદ તેમના માલિકો અને હોકર્સ તેમને ત્‍યાંથી જ ફેંકી દે છે. ઘોડા-ખચ્‍ચરોના મૃતદેહ સીધા મંદાકિની નદીમાં જઈને પડે છે અને તેના કારણે નદી પ્રદૂષિત થાય છે. તેવામાં કેદારનાથ ક્ષેત્રમાં મહામારી પણ ફેલાઈ શકે છે. અત્‍યાર સુધીમાં ૧.૨૫ લાખ શ્રદ્ધાળુઓએ ઘોડા-ખચ્‍ચરની મદદથી યાત્રા કરી છે. જયારે બાકીના લોકો હેલિકોપ્‍ટર દ્વારા અને પગે ચાલીને ધામ સુધી પહોંચ્‍યા છે.
બાબા કેદારના ભક્‍તોએ સમુદ્રની સપાટીથી ૧૧,૭૫૦ ફૂટની ઉંચાઈ પર સ્‍થિત કેદારનાથ ધામ સુધી પહોંચવા માટે ૧૮ થી ૨૦ કિમીનું અંતર કાપવાનું હોય છે. આ યાત્રામાં ઘોડા-ખચ્‍ચરો મહત્‍વની ભૂમિકા ભજવે છે. જોકે સામે આ પ્રાણીઓને પેટ ભરીને ચણા, ભૂંસુ અને ગરમ પાણી વગેરે નથી મળી રહ્યા. તમામ પ્રકારના દાવાઓ છતાં ચાલીને જવાના રસ્‍તા પર એક પણ સ્‍થળે ઘોડા-ખચ્‍ચર માટે ગરમ પાણીની વ્‍યવસ્‍થા નથી.
આ પ્રકારની સવારી કરાવતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘોડા-ખચ્‍ચરો પાસે એક જ દિવસમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ૨ થી ૩ ચક્કર લગાવડાવી રહ્યા છે. આ ઉપરાંત તેમને રસ્‍તામાં બિલકુલ આરામ નથી મળતો જેથી તેઓ ભારે થાકના કારણે દર્દનાક મૃત્‍યુને ભેટે છે.
કેદારનાથ યાત્રા માટેની કરોડરજ્જુ સમાન આ પ્રાણીઓનું બિલકુલ ધ્‍યાન નથી રાખવામાં આવતું. યાત્રા માર્ગ પર પ્રાણીઓને આરામ કરવા ટીનના શેડ કે અન્‍ય કોઈ વ્‍યવસ્‍થા નથી. છેલ્લા ૧૬ દિવસમાં ૫૫ જેટલાં ઘોડા-ખચ્‍ચરો પેટમાં ભારે દુખાવાના કારણે મૃત્‍યુ પામ્‍યા છે. જયારે ૪ ઘોડા-ખચ્‍ચરો પડી જવાના કારણે અને એકનું પથ્‍થરની લપેટમાં આવવાના કારણે મોત થયું છે.
ઘોડા-ખચ્‍ચરોનું સંચાલન કરનારા જિલ્લા પંચાયત રૂદ્રપ્રયાગના અધ્‍યક્ષ અમરદેઈ શાહે જણાવ્‍યું કે, ઘોડા-ખચ્‍ચરોના સંચાલકો તેમનું પૂરતું ધ્‍યાન નથી રાખતા જે મોટો ગુનો છે. યાત્રા માર્ગ પર મૃત્‍યુ પામનારા પ્રાણીઓના મૃતદેહોને નદીમાં ફેંકી દેવામાં આવે છે જે યોગ્‍ય નથી. મૃતક જાનવરનો યોગ્‍ય રીતે દાહ સંસ્‍કાર કરીને તેમને જમીનમાં મીઠું નાખીને દફનાવવા જોઈએ. આ મામલે યાત્રા સાથે સંબંધિત કર્મચારીઓને મોનિટરિંગ માટેના નિર્દેશ આપવામાં આવ્‍યા છે.

 

(3:17 pm IST)