Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

gstઅધિકારીઓ સર્ચ દરમિયાન કરદાતાને કર ભરવા બળજબરી નહીં કરી શકેઃ CBIC

નવી દિલ્હી, તા.૨૭ : ટેકસ સર્ચ દરમિયાન કર અધિકારીઓ દ્વારા કરદાતાઓને કરાતી કનડગત અને સ્થળ પર બળજબરીથી કરાવાતી ચૂકવણી અંગેની વ્યાપક ફરિયાદોને દૂર કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્વારા એક માર્ગદાર્શકા જારી કરાઈ છે. આ માર્ગદર્શિકા અનુસાર કરદાતા વિરુદ્ધ હાથ ધરાયેલી ટેકસ સર્ચ દરમિયાન જો કોઈ કરદાતા સ્વૈચ્છિક ચૂકવણી કરશે તો કર સત્તાવાળાઓ સામે પગલાં લેવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર તપાસ અથવા સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારની વસૂલાત માટે અધિકારીઓ જબરદસ્તી નહીં કરી શકે.

સીઆઈબીસી દ્વારા ૨૫મી મેના રોજ સેન્ટ્રલ જીએસટીના તમામ ઝોન્સના તમામ પ્રિન્સિપલ કમિશનર્સ, કામિશનર્સ, જીએસટી ઈન્વેસ્ટિગેશન વગેરેને જારી કરાયેલી આંતરિક નોંધમાં જણાવ્યાં અનુસાર જો કોઈ કર અધિકારી દ્વારા તેનું ઉલ્લંઘન કરાશે તો તેની વિરુદ્ધ શિસ્ત ભંગના આકરા પગલાં લેવાશે. જો કોઈ કરદાતા દ્વારા કોઈ અધિકારી વિરૃદ્ધ તપાસ અથવા સર્ચ દરમિયાન રકમ જમાં કરાવવા અંગે બળજબરી કે જબરદસ્તી કરવાની ફરિયાદ કરાશે તો તેની તાત્કાલિક તપાસ કરાશે. કાયદા અનુસાર જ્યાં સુધી સક્ષમ સત્તા દ્વારા આદેશ જારી કરી રકમને ચૂકવણી લાયક ના ઠેરવવામાં આવે ત્યાં સુધી કોઈ રિકવરી કરી ના શકાય. તેમાં સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે જો કોઈ કરદાતા સ્વૈચ્છાએ જીએસટીની બાકી ચૂકવણી કરવા ઈચ્છતો હોય તો તે જીએસટી પોર્ટલના માધ્યમથી ડીઆરસી ૦૩ની મદદથી તેમ કરી શકે છે.

(3:02 pm IST)