Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આટકોટમાં : મેગા ઇવેન્‍ટ : ૩ લાખની મેદનીને સંબોધન

૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન : મુખ્‍યમંત્રી - પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે : સાત જિલ્લાઓમાંથી પ્રજાજનો ઉમટશે : ૧૮૦૦ જેટલી નાની-મોટી બસો તૈનાત : તમામ લોકો માટે ભોજનની વ્‍યવસ્‍થા : જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા : ટીમ ભરત બોઘરા દ્વારા અભૂતપૂર્વ વ્‍યવસ્‍થા - આયોજન : પછાત પ્રદેશમાં વરસશે આયુષ આશિર્વાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકશે વડાપ્રધાન મોદી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૭ : દિલ્‍હીની ગાદી ઉપર આઠ વર્ષ પૂરા કરનાર યશસ્‍વી વડાપ્રધાન મોદી આવતીકાલે સૌરાષ્‍ટ્રના આટકોટ ગામે મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન પ્રસંગે આવી રહ્યા હોય સમગ્ર પ્રદેશમાં ભારે ઉત્‍સાહનો માહોલ છવાયો છે. રૂા. ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી હોસ્‍પિટલના ઉદ્‌ઘાટનમાં સહભાગી થવા અને વડાપ્રધાનનું સંબોધન માણવા માટે ૭ જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડશે તેવું જાણવા મળે છે. લગભગ ૩ લાખની મેદનીને વડાપ્રધાન સંબોધન કરશે. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. વડાપ્રધાન આવી રહ્યા હોય રાજકોટ અને આટકોટમાં જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર લોકોને લાવવા - લઇ જવા માટે નાની મોટી ૧૮૦૦ જેટલી બસો તૈનાત કરવામાં આવી છે એટલું જ નહિ તમામ લોકો માટે ભોજનની પણ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આટકોટ વિસ્‍તાર પછાત વિસ્‍તાર ગણાતો હોય અહીં દર્દીઓની સારવાર માટે આ હોસ્‍પિટલ આશિર્વાદરૂપ બનશે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલે શનિવારે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. કાલે સવારે જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ નિર્મિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું તેમના હસ્‍તે ઉદ્‌ઘાટન છે. ઉદ્‌ઘાટન નિમિતે હોસ્‍પિટલની સામેના જ ખેતરોમાં ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં તેમની જાહેરસભા યોજવામાં આવી છે. કોરોનાકાળ પછી સૌરાષ્‍ટ્રમાં મોદીની પ્રથમ જાહેરસભા હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્‍સાહ છે. વડાપ્રધાન કાલે સૌરાષ્‍ટ્ર સાથેના સંભારણા વાગોળે તેવી શક્‍યતા છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જે વિસ્‍તારમાં પ્રવાસે જતા હોય તે વિસ્‍તારની ખાસીયતો, વિસ્‍તારના વ્‍યકિતવિશેષ અને ઐતિહાસીક સ્‍થળોનો પોતાના પ્રવચનોમાં ઉલ્લેખ કરે તેવું અનેક વખત બન્‍યું છે. રાજકોટથી કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડેલા તેનો પણ અનેક વખત ઉલ્લેખ કરેલ છે. આટકોટ એ રાજકોટની નજીક છે તેથી રાજકોટ સાથેના મોદીના નાતાની આટકોટના કાર્યક્રમમાં અસર દેખાશે. જસદણ સાથે પણ તેમનો જુનો નાતો હોય જસદણ પંથકના સંભારણા પણ વાગોળશે.
શ્રી મોદી ભૂતકાળમાં સંગઠનના હેતુથી તેમજ મુખ્‍યમંત્રી તરીકે રાજકીય અને વિકાસના કામો નિમિતે એકથી વધુ વખત જસદણમાં આવેલા છે. જસદણના કેટલાય લોકો સાથે તેમનો વ્‍યકિતગત પરિચય છે. આ પંથક સાથેના તેમના સંભારણા વકતવ્‍યમાં વાગોળે તેવી ધારણા છે. સ્‍થાનિક આગેવાનો પણ તેમની સાથેના યાદગાર પ્રસંગો વર્ણવી રહ્યા છે. ધારાસભાની ચૂંટણીનું વર્ષ છે. હોસ્‍પિટલના નિર્માણમાં પાટીદાર સમાજનો મોટો ફાળો છે. વડાપ્રધાનના પ્રવચન પર રાજકીય સમિક્ષકોની મીટ છે. જસદણ પંથક સાથેના સબંધ ઉપરાંત હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન હોવાથી સરકારની આરોગ્‍ય વિષયક સેવાઓ અને સિધ્‍ધીઓ તેમજ કોરોનાકાળનો અને સરકારના વિકાસકામોનો ઉલ્લેખ કરે તે સ્‍વભાવિક છે.
આટકોટ પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલ જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરાના અથાક પ્રયાસોથી અતિ આધુનિક અને વિશાળ હોસ્‍પિટલનું નિર્માણ થયું છે.
વડાપ્રધાનની સુરક્ષાને ધ્‍યાને લઇ દિલ્‍હીથી કમાન્‍ડોની ટીમોએ ત્રણ દિવસથી આટકોટમાં ધામા નાખ્‍યા છે. ગઇકાલથી તેમણે હોસ્‍પિટલનો અને સભા સ્‍થળનો કબ્‍જો લઇ લીધો છે.
ગઇકાલે હોસ્‍પિટલથી એક કિ.મી. દુર બનાવવામાં આવેલા હેલીપેડનો પણ સુરક્ષા દળના જવાનો દ્વારા કબ્‍જો લઇ ભારતીય વાયુદળના હેલીકોપ્‍ટરોએ દિવસ દરમિયાન ઉડાનો ભરી હેલીપેડ ઉપર ઉતરાણ કરી સુરક્ષા સબંધી યોગ્‍ય તપાસ કરી હતી અને સાંજે હેલીપેડથી સભા સ્‍થળ સુધીનું રિહર્સલ કર્યું હતું.
વડાપ્રધાનના આગમનને લઇ ગુજરાત ભાજપના ટોચના આગેવાનો, જિલ્લા ભાજપના આગેવાનો, સ્‍થાનિક તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા આટકોટ ખાતે મુકામ કરી સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલે ગુજરાતમાં એક મેગા ઈવેન્‍ટમાં હાજરી આપશે, જયાં મોટી સંખ્‍યામાં લોકો આવવાની ધારણા છે. હકીકતમાં, કેડી પરવડિયા મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના ઉદ્‍ઘાટન પ્રસંગે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી શનિવારે જાહેર સભાને સંબોધિત કરશે. આ માટે ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની ૧,૨૦૦ બસો તૈનાત કરવામાં આવી છે.
એટલું જ નહીં, જીએસઆરટીસીની ૧,૨૦૦ બસો ઉપરાંત ખાનગી શાળાઓની ૬૦૦ બસો અને કેટલાક ટ્રેક્‍ટર અને મલ્‍ટી-યુટિલિટી વ્‍હીકલ (એમયુવી) સૌરાષ્ટ્રના દૂરના વિસ્‍તારોમાંથી લોકોને રાજકોટના આટકોટ ગામ સુધી લઈ જશે.
શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ (એસપીએસએસટી) ના મેનેજિંગ ટ્રસ્‍ટી ભરત બોગરાએ કેડી પરવડિયા હોસ્‍પિટલનું નિર્માણ જણાવ્‍યું, અમે લોકોને જાહેર સભા સ્‍થળે લઈ જવા માટે એસટી (રાજય પરિવહન) સેવાઓ લીધી છે. લગભગ ૨૫૦ ૩૦૦ બસો ભાડે રાખવામાં આવી છે. જો કે, અમે આ બસોને ભાડે આપવા માટે ચૂકવણી કરીશું અને આ ઇવેન્‍ટ માટે કોઈ સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહ્યા નથી.
ભરત બોગરા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ઉપાધ્‍યક્ષ પણ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે સમગ્ર કાર્યક્રમનું આયોજન SPSST દ્વારા ભગવા પક્ષ અને અન્‍ય વિવિધ સંસ્‍થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, ‘કુલ મળીને, અમે ૧,૨૦૦ GSRTC બસો ભાડે કરી છે, જેમાં SPSST દ્વારા ભાડે કરાયેલી બસોનો સમાવેશ થાય છે. બાકીનાને વિવિધ સંસ્‍થાઓ અને વ્‍યક્‍તિઓ દ્વારા નોકરી પર રાખવામાં આવ્‍યા છે. ઉદાહરણ તરીકે, ભાજપના જૂનાગઢ જિલ્લા એકમના પ્રમુખ કિરીટ પટેલે ૧૦૦ GSRTC બસો અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ ૨૦૦ બસો ભાડે કરી છે.'
૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન જસદણના ધારાસભ્‍ય રહી ચૂકેલા બોગરાએ વધુમાં જણાવ્‍યું હતું કે ઉદઘાટન માટે આટકોટ આવતા તમામ લોકો માટે તેમણે ભોજનની વ્‍યવસ્‍થા કરી છે. ‘અમે લગભગ ત્રણ લાખ લોકોને લંચ પીરસવાની વ્‍યવસ્‍થા કરી છે. આટલું જ નહીં, જાહેર સભા માટે બનાવવામાં આવેલા ગુંબજની અંદર ૧.૨ લાખ લિટર પાણી ઉપલબ્‍ધ થશે. કુલ મળીને, લોકોને મદદ કરવા અને વ્‍યવસ્‍થા જાળવવા માટે લગભગ ૧૧,૦૦૦ સ્‍વયંસેવકો અને ભાજપના કાર્યકરો હાજર રહેશે.'
બોગરાએ કહ્યું, ‘અમે સુનિશ્‍ચિત ઉદઘાટન સમયે સૌરાષ્ટ્રમાં લગભગ ૩૦,૦૦૦ હોર્ડિંગ બોર્ડ લગાવ્‍યા છે. હું લોકોને ઉદ્‌ઘાટન સમારોહમાં આમંત્રિત કરવા ગામડાઓમાં પણ જઈ રહ્યો છું.' હોસ્‍પિટલનો શિલાન્‍યાસ ૨૦૧૬માં કરવામાં આવ્‍યો હતો અને આયોજકોનું કહેવું છે કે કુલ ૧.૫ લાખ ચોરસ ફૂટના કાર્પેટ એરિયાવાળી હોસ્‍પિટલનું નિર્માણ રૂ. ૫૦ કરોડના ખર્ચે કરવામાં આવ્‍યું છે. બોગરાએ કહ્યું કે ટ્રસ્‍ટને ૨૦૦ બેડની હોસ્‍પિટલના નિર્માણ અને સંચાલન માટે ૮૦ કરોડ રૂપિયા મળ્‍યા છે.
તેમણે કહ્યું, ‘હોસ્‍પિટલમાં સુપરસ્‍પેશ્‍યાલિસ્‍ટ અને ૧૯૫-મજબુત નર્સિંગ સ્‍ટાફ સહિત ૩૫ ડોક્‍ટરો છે. હોસ્‍પિટલમાં ૨૨ કન્‍સલ્‍ટેશન રૂમ, છ આધુનિક મોડ્‍યુલર ઓપરેશન થિયેટર, ૧૦ વેન્‍ટિલેટર બેડ સાથે ૬૪ ICU બેડ અને એક નવજાત ICU છે. સીટી સ્‍કેન મશીન લગાવવામાં આવ્‍યું છે અને ટૂંક સમયમાં એમઆરઆઈ મશીન પણ લગાવવામાં આવશે. અમે નજીકના ભવિષ્‍યમાં એન્‍જીયોગ્રાફી અને ગંભીર હાર્ટ સર્જરી માટે કેથ લેબ સ્‍થાપવાની પણ યોજના બનાવીએ છીએ

 

(11:28 am IST)