Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

તાલાલામાંથી કેસર કેરીની નિકાસમાં ૪૦% ઘટાડો

આ સિઝનમાં કેરીની નિકાસ આઠને બદલે માત્ર બે દેશોમાં કરવામાં આવી રહી છે : APMCની એકંદરે વાર્ષિક નિકાસ આ વર્ષે ૯૦ ટનથી નીચે રહેવાની શક્‍યતા

નવી દિલ્‍હી તા. ૨૭ : આ ઉનાળામાં કેસર કેરીના પાકે ખેડૂતો અને નિકાસકારો માટે કડવો સ્‍વાદ છોડ્‍યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઉગાડવામાં આવતી કેસરની કેરીની ગીર સોમનાથના તાલાલા ખ્‍ભ્‍પ્‍ઘ્‍ દ્વારા સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે.

આ વર્ષે પાકના મોડા આગમન અને નબળી ઉપજને કારણે નિકાસને ફટકો પડ્‍યો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખ જરસાણીયાએ જણાવ્‍યું હતું કે આ વર્ષે કેસરની નિકાસમાં ભારે ઘટાડો થયો છે કારણ કે બજારમાં પાકના આગમનમાં નોંધપાત્ર વિલંબ થયો છે.

જરસાનિયાએ જણાવ્‍યું હતું કે, આ વર્ષે કેસરનું ઉત્‍પાદન પણ ઓછું છે.

તાલાલા APMCના પેકહાઉસ મેનેજર દિપક ચંદેલીયા, જે પાકના ગ્રેડિંગ અને ધોવા સાથે સંકળાયેલા છે, તેમણે જણાવ્‍યું હતું કે APMC કેરીને નિકાસ માટે સોંપતા પહેલા ગરમ પાણીની પ્રક્રિયાઓ, પ્રી-કૂલિંગ, પકવવા અને પેકિંગનું સંચાલન કરે છે.

‘આંતરરાષ્ટ્રીય નિકાસ માલમાં સામાન્‍ય રીતે ૪૦% પાકેલી કેરીનો સમાવેશ થાય છે જયારે બાકીની કાચી હોય છે,' ચંદેલીયાએ જણાવ્‍યું હતું. તેમણે કહ્યું કે દર વર્ષે કેસરની નિકાસ ૧૦ એપ્રિલની આસપાસ શરૂ થાય છે પરંતુ આ વર્ષે કન્‍સાઇનમેન્‍ટ ૫ મે સુધીમાં જ મોકલવાનું શરૂ થયું હતું.

ગયા વર્ષે તાલાલા એપીએમસીએ ૧૪૦ ટન કેસરની નિકાસ કરી હતી. અમે અત્‍યાર સુધીમાં માત્ર ૧૫ ટન કેસરની નિકાસ કરી છે અને એકંદરે નિકાસ ૯૦ ટનને વટાવી ન શકે, તેમણે કહ્યું.

અધિકારીએ જણાવ્‍યું હતું કે દર વર્ષે કેસરની નિકાસ યુકે, ઇટાલી, મલેશિયા, સિંગાપોર અને દુબઇ સહિત સાતથી આઠ દેશોમાં થાય છે પરંતુ આ વર્ષે નિકાસ બે દેશો સુધી મર્યાદિત રાખવામાં આવી છે.

‘આ વર્ષે સૌથી વધુ નિકાસ યુકેમાં કરવામાં આવશે અને અમને પ્રથમ વખત કતાર તરફથી નવા નિકાસ ઓર્ડર મળ્‍યા છે. અમે લગભગ ૫ થી ૧૦ ટન કેસરની કતારમાં નિકાસ કરીશું,' તેમણે કહ્યું.

નિકાસ ખેડૂતોને વધુ સારા નફાના માર્જિન સાથે પ્રદાન કરે છે. કેસરનું ૧૦ કિલોનું બોક્‍સ સ્‍થાનિક બજારમાં રૂ. ૨૦૦૦માં વેચાય છે જે નિકાસ કરવામાં આવે ત્‍યારે રૂ. ૨૭૦૦ થી રૂ. ૨૮૦૦ મળે છે. યુકેમાં, કેરી ૧૭ પાઉન્‍ડ પ્રતિ ડઝનના ભાવે વેચાય છે અને એર કાર્ગો દ્વારા નિકાસ કરવામાં આવે છે. કન્‍સાઇનમેન્‍ટને યુકે પહોંચવામાં લગભગ બે દિવસ લાગે છે.

એક ખેડૂત નેતા પ્રવિણ પટોલિયાએ જણાવ્‍યું હતું કે આ વર્ષે ટૌકટે ચક્રવાતે મોટી સંખ્‍યામાં આંબાના વૃક્ષોનો નાશ કર્યો હતો જેના કારણે પાકની ઉપજને અસર થઈ હતી.

પટોલિયાએ જણાવ્‍યું હતું કે, ઙ્કઆબોહવા પરિવર્તનના કારણે પણ આ વર્ષે પાકમાં વિલંબ થયો છે.

જૂનાગઢના વંથલીમાં કેરીના બગીચા ધરાવતા ગિરીશ ભીમાણીએ જણાવ્‍યું હતું કે દર વર્ષે ૯૦ થી ૧૦૦ મણની સરખામણીએ આ વર્ષે ઉપજ ૨૫ થી ૩૦ મણ (એક સ્‍થાનિક એકમ જયાં ૧ મણ = ૨૦ કિલો) હતી.

(10:04 am IST)