Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પાકિસ્‍તાનમાં પેટ્રોલ ૧૭૯.૮૫ રૂપિયા તો ડીઝલની કિંમત ૧૭૪.૧૫

કેરોસીન ૧૫૫.૯૫ રૂપિયા પ્રતિ લિટર : પેટ્રોલ અને ડીઝલ ૩૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ : પાકિસ્‍તાનમાં એક દિવસમાં સૌથી વધુ વધારો

ઈસ્‍લામાબાદ તા. ૨૭ : પાકિસ્‍તાનમાં સામાન્‍ય માણસ માટે વધુ એક મોટો ઝટકો લાગ્‍યો છે. પાકિસ્‍તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સાથે ૩૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. પાકિસ્‍તાનમાં પેટ્રોલના ભાવમાં રૂ. પેટ્રોલિયમ ઉત્‍પાદનોમાં વધારો ગુરૂવારે મધરાતથી લાગુ થઈ ગયો છે. આ વધારા બાદ પાકિસ્‍તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૭૯.૮૫ રૂપિયા (અંદાજે ૧૮૦ રૂપિયા) જયારે ડીઝલની કિંમત ૧૭૪.૧૫ રૂપિયા પ્રતિ લિટર અને કેરોસીન ૧૫૫.૯૫ રૂપિયા પ્રતિ લિટર થશે.

નાણામંત્રી મિફતાહ ઈસ્‍માઈલે અહીં એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવી કિંમતો મધરાતથી લાગુ થશે. આના એક દિવસ પહેલા કતારમાં પાકિસ્‍તાન સરકાર અને ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડ વચ્‍ચે આર્થિક મદદ અંગેની વાતચીત અનિર્ણિત રહી હતી. કતારમાં પાકિસ્‍તાન સરકાર અને ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વચ્‍ચે આર્થિક બેલઆઉટ અને IMF સ્‍ટાફ-સ્‍તરના કરાર નિષ્‍ફળ થયાના એક દિવસ બાદ નાણામંત્રીએ તેલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.

પાકિસ્‍તાનના નાણા મંત્રીના જણાવ્‍યા અનુસાર, પેટ્રોલના ભાવમાં વધારાનો ઉદ્દેશ્‍ય ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પ્રોગ્રામને ફરીથી શરૂ કરવાની ખાતરી કરવાનો છે. નાણાપ્રધાને એમ પણ કહ્યું હતું કે જો કિંમતો સ્‍થિર રહી હોત અને વડા પ્રધાન શાહબાઝ શરીફે કડક નિર્ણય લેવો પડ્‍યો હોત તો દેશ ખોટી દિશામાં જઈ શક્‍યો હોત. અમે રાજનીતિ માટે દેશને ડૂબવા દઈ શકીએ નહીં, એમ તેમણે કહ્યું.

પાકિસ્‍તાનના નાણા પ્રધાને પેટ્રોલના ભાવને સ્‍થિર કરવા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર પણ પ્રહારો કર્યા હતા કારણ કે તેઓ જાણતા હતા કે તેમના સત્તાના દિવસો ગણતરીમાં છે. IMFએ બુધવારે એક હેન્‍ડઆઉટમાં ‘ઈંધણ અને ઊર્જા સબસિડી દૂર કરવા સહિત નક્કર નીતિ પગલાંની તાકીદ' પર ભાર મૂક્‍યો હતો. મિફતાહે જણાવ્‍યું હતું કે ઇંધણની કિંમતોના બોજને જનતા પર પહોંચાડવો હિતાવહ બની ગયો છે કારણ કે જયાં સુધી ઇંધણ સબસિડી દૂર કરવામાં ન આવે ત્‍યાં સુધી IMFએ ‘કોઈપણ રાહત' આપવાનો ઇનકાર કર્યો હતો.

(10:02 am IST)