Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ગીતાંજલિ શ્રીની ‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ'એ ૨૦૨૨નું ઇન્‍ટરનેશનલ બુકર પ્રાઇઝ જીત્‍યું

પ્રતિષ્‍ઠિત ઈન્‍ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર ‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ' કોઈપણ ભારતીય ભાષામાં પ્રથમ પુસ્‍તક બની ગયું છે : ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તર પ્રદેશના મૈનપુરીના છે

નવી દિલ્‍હી તા. ૨૭ : ગીતાંજલિ શ્રી ઈન્‍ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય લેખિકા બની છે. તેમને આ એવોર્ડ નવલકથા ‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ' માટે મળ્‍યો હતો. એવોર્ડ મેળવ્‍યા બાદ ગીતાંજલિ શ્રીએ કહ્યું હતું કે ‘મેં ક્‍યારેય બુકરનું સપનું જોયું ન હતું, મેં ક્‍યારેય વિચાર્યું ન હતું કે હું એવોર્ડ જીતી શકીશ.'

‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ' વિશ્વના ૧૩ પુસ્‍તકો પૈકી એક હતું જેને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્‍કારની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યું હતું. પ્રતિષ્ઠિત ઈન્‍ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર ‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ' કોઈપણ ભારતીય ભાષામાં પ્રથમ પુસ્‍તક બની ગયું છે.

લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા ‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ'ને ગયા મહિને ઈન્‍ટરનેશનલ બુકર પ્રાઈઝ માટે ‘શોર્ટલિસ્‍ટ' કરવામાં આવી હતી. તે જ સમયે, ગીતાંજલિ શ્રીનું આ પુસ્‍તક મૂળ હિન્‍દીમાં ‘રેત સમાધિ' નામથી પ્રકાશિત થયું હતું. જેનો અંગ્રેજી અનુવાદ ‘ટોમ્‍બ ઓફ સેન્‍ડ' હતો, જે ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્‍યો હતો અને જયુરી સભ્‍યોએ તેને ‘અદ્‌ભૂત અને અકાટ્‍ય' ગણાવ્‍યું હતું.

ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તર પ્રદેશના મૈનપુરીના છે. ગીતાંજલિ શ્રીએ ત્રણ નવલકથાઓ અને અનેક વાર્તાસંગ્રહો લખ્‍યા છે. તેમની કૃતિઓ અંગ્રેજી, ફ્રેન્‍ચ, જર્મન, સર્બિયન અને કોરિયન ભાષાઓમાં અનુવાદિત થઈ છે. જયારે ગીતાંજલિ શ્રી હાલ દિલ્‍હીમાં રહે છે અને તેમની ઉંમર ૬૪ વર્ષની છે. તેમના અનુવાદક, ડેઝી રોકવેલ, અમેરિકામાં રહેતા ચિત્રકાર અને લેખક છે. તેમણે હિન્‍દી અને ઉર્દૂમાં ઘણી સાહિત્‍યિક કૃતિઓનો અનુવાદ કર્યો છે.

(10:36 am IST)