Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભારત અને ચીનના સીમા વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું -અમેરિકા મધ્યસ્થી કરવા તૈયાર

નવી દિલ્હીઃ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન તરફથી ભારતીય જમીન પર અતિક્રમણ બાદ થયેલો સીમા વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે ભારત અને ચીને પોત-પોતાનાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ત્યારે તાજેતરમાં જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત અને ચીન વચ્ચેનાં સીમા વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે

  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારત અને ચીનની વચ્ચે ચાલતા સીમા વિવાદ મુદ્દે મધ્યસ્થતા કરવા તૈયાર છે. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમેરિકા ભારત અને ચીનની વચ્ચે ચાલતા સીમા વિવાદનાં મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.’ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું કે, “અમે ભારત અને ચીન બંનેને સૂચિત કર્યા છે કે જો તેઓ ઇચ્છે તો સીમા વિવાદમાં અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. આભાર.’

  અત્રે ઉલેલ્ખનીય છે કે પૂર્વીય લદાખ સીમા પર ભારત અને ચીની સૈનિકોની વચ્ચે સતત તણાવ વધવા પર પ્રધાનમંત્રી મોદીએ મંગળવારનાં રોજ ગઇ કાલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાનાં પ્રમુખોની સાથે એક મહત્વની બેઠક કરી હતી. તેમાં બહરનાં સુરક્ષા પડકારો સામે લડવા માટે ભારતની સૈન્ય તૈયારીઓને મજબૂત બનાવવા પર વિશેષે કરીને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યાં હતાં. આ દરમ્યાન સેના પ્રમુખો, સીડીએસથી આ મુદ્દા પર બ્લુ પ્રિન્ટ પણ માંગવામાં આવી. પીએમ મોદીની બેઠક પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આ મુદ્દા પર બેઠક યોજી હતી અને એવો નિર્ણય લેવાયો હતો કે ભારત લદ્દાખની બોર્ડર પર ચાલી રહેલાં પોતાનાં રસ્તાનું કામ નહીં રોકે.

(8:58 pm IST)