Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કોરોનાની અસર : ઘણા ક્ષેત્રોમાં લાખો નોકરીઓ ઉપર ખતરો

લોકડાઉન-૪માં પણ નથી ખુલ્યા ઘણા બિઝનેસ : પેકેજમાંથી કંઈ ન મળવાથી નારાજ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, રેસ્ટોરન્ટ-હોટેલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં ખતરો

નવી દિલ્હી, તા. ૨૭ : સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી કંઈપણ ન મળવાથી નારાજ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ,રેસ્ટોરન્ટ અને હોટેલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરે સરકારને કહ્યું છે કે, બીજું કંઈ નહીં તો તેમને એક વર્ષના ટેક્સના હોલિડે અને સોફ્ટ લોનની સુવિધા મળવી જોઈએ. એવું ન થવા પર આ સેક્ટરો પર મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. તેનાથી કોવિડ-૧૯ અને લોકડાઉનના માહોલમાં દેશમાં બેરોજગારીમાં વધારો થઈ શકે છે. આ ત્રણેય સેક્ટરોના દિગ્ગજોએ સકારને કહ્યું છે કે તેણે રાહત પેકેજની જે જાહેરાતો કરી છે, તેમાં તેમના માટે કંઈ નથી. તેમનું કહેવું છે કે, ઘણા બિઝનેસ લોકડાઉન ૪.૦માં પણ નથી ખૂલી શક્યા. ટુરિઝમ  ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ છે. રેસ્ટારેન્ટને માત્ર હોમ ડિલિવરીની છૂટ મળી છે. મલ્ટીપ્લેક્સ, સિનેમા હોલ ખોલવાની મંજૂરી નથી. સલુન, વેલનેસ સેન્ટર બંધ પડ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનું કામકાજ ઠપ પડ્યું છે. એવામાં કામ બંધ થવાથી મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડન્ટ જ્યોતિ માયલનું કહેવું છે કે, હાલમાં ટુર અને ટ્રાવેલ્સ સાથે સંલગ્ન કંપનીઓની હાલત ઘણી ખરાબ છે.

              સરકારે થોડી તો રાહત આપવી જોઈએ. બીજી તરફ, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે, રાહત પેકેજ ન મળ્યું તો માત્ર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાંથી જ લાખો લોકો બેરોજગાર થઈ શકે છે. સીઆઈઆઈના રિપોર્ટ મુજબ, કોવિડ-૧૯ સંકટનો સૌથી ઘાતક હુમલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડ્રસ્ટી પર પડી. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની સાઈઝ ૧૮ લાખ કરોડ રૂપિયાની છે. કોરોના પહેલા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં ૫.૫ કરોડ કર્મચારી હતા. કોરોના સંકટને પગલે આ ઈન્ડસ્ટ્રીમાં કરોડો લોકોની નોકરીઓ જઈ શકે છે. એ જ રીતે દેશમાં રેસ્ટોરન્ટ સેક્ટરની સાઈઝ ૪.૨ લાખ કરોડ રૂપિયાની છે. કોરોના પહેલા આ સેક્ટરમાં ૭૩ લાખ કર્મચારી હતા, જેમાંથી ૨૦ લાખ નોકરીઓ જવાનો અંદાજ છે. એ જ રીતે, ઓનલાઈન ફુડ ડિલિવરી સેક્ટરની સાઈઝ ૪૮૦૦૦ કરોડ રૂપિયા છે. તેમાં કુલ કર્મચારી લગભગ ૫ લાખ છે. આ બિઝનેસની આવકમાં ૨૦ ટકા ઘટાડો થવાની શક્યતા છે.

           સિનેમા એન્ટરટેઈનમેન્ટની વાત કરીએ તો તેની સાઈઝ ૧.૮૨ કરોડ રૂપિયા છે. કુલ કર્મચારી ૭૦ થી ૮૦ લાખ છે. એ જ રીતે, દેશમાં સલુન, બ્યુટી, વેલનેસ ઈન્ડસ્ટ્રીની સાઈઝ ૧ લાખ કરોડ રૂપિયા છે. તેમાં કુલ ૫ કરોડ લોકોને રોજગાર મળે છે. તો ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીની સાઈઝ ૧૦૦૦૦ કરોડ રૂપિયાની છે. તે ૩ કરોડ લોકોને રોજગાર આપે છે. કોરોનાના કારણે આ સેક્ટરમાં ૯૦ ટકા બિઝનેસ ખતમ થઈ ગયો છે. ત્રણેય સેક્ટરે સરકારને કહ્યું છે કે, તેમને બધા પ્રકારના ટેક્સ પર ૧ વર્ષનો ટેક્સ હોલિડે મળવો જોઈએ. ઇન્કમટેક્ષ રિફંડ તરત મળવું જોઈએ. ઈન્ડસ્ટ્રી માટે ૧૦ વર્ષ માટે સોફ્ટ લોનની વ્યવસ્થા કરવામાં આવે. ટેક્ષ ક્લેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) દુર કરવામાં આવે અને વ્યાજ ચૂકવવા માટે નવ મહિનાનો સમય મળવો જોઈએ. ટુરિઝમ સેક્ટર સાથે સંલગ્ન સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ આવવાની કોઈ આશા નથી.

(8:02 pm IST)