Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

આ ભાઇએ દાંપત્ય જીવન બરબાદ કરવા બદલ ગૂગલ-મેપ વિરૂધ્ધ ફરિયાદ કરી

ચેન્નાઇ,તા.૨૭:તામિલનાડુના માઇલાદુતુરાઈ જિલ્લાના રહેવાસી ૪૯ વર્ષના આર. ચંદ્રશેખરે ગૂગલ-મેપ વિરુદ્ઘ દાંપત્ય જીવન બરબાદ કરવાનો આરોપ મૂકતાં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગૂગલ કંપનીને અદાલતમાં ખેંચી જવાની તૈયારી પણ કરી છે. ગૂગલ-મેપના 'યોર ટાઇમ લાઇન' ફીચરને કારણે ચંદ્રશેખરને તેની પત્નીએ કયાં-કયાં ગયા હતા? એ સવાલો પૂછવા માંડ્યા હતા. પત્નીની કયાં ગયા હતા એ પૂછપરછ કરવાની આદત તો હતી, પરંતુ ગૂગલ-મેપ નામના એપમાં જયાં ન ગયા હોય એવી જગ્યાઓનાં નામ પણ યોર ટાઇમ લાઇન પર દેખાતાં ચંદ્રશેખર માટે જવાબ આપવાનું અઘરું થઈ ગયું હતું. એને કારણે ઘરમાં ઝઘડા વધી ગયા હતા.

ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાથી 'તમે કયાં ગયા હતા અને તમે આ જગ્યાએ શા માટે ગયા હતા?' એ સવાલના સંતોષકારક જવાબ ન મળે તો પત્ની ચંદ્રશેખરને રાતે ઊંઘવા દેતી નહોતી. ચંદ્રશેખરે કહ્યું હતું કે મારી પત્ની સતત એ બાબતના વિચારો કર્યા કરતી હતી અને ચિંતા-વ્યથામાં રહેતી હતી. તેની માનસિક તાણની અસર પરિવારમાં અન્યો પર પણ થતી રહે છે. દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવા બદલ ચંદ્રશેખર ગૂગલ પાસે વળતર પણ માગે છે, કારણ કે ચંદ્રશેખરની પત્ની પતિ કરતાં વધારે વિશ્વાસપાત્ર ગૂગલને માને છે. ચંદ્રશેખર જવાબ ન આપી શકે ત્યારે એ વીફરે છે અને કુટુંબ, સગાં, પાડોશી, માનસશાસ્ત્રીઓ વગેરે કોઈ પણ સમજાવે તોય માનતી નથી. પોલીસ કહે છે કે અમે પહેલાં પતિ-પત્નીને સાથે બોલાવીને તેમને સમજાવીશું અને એ રીતે કામ ન થાય તો આગળ કેવાં પગલાં લેવાં એ વિચારીશું.

(3:57 pm IST)