Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કોરોનાએ કાળોકેર વર્તાવ્યોઃ લાખો નોકરીઓ સાફ થઇ ગઇ !

ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, ઓનલાઇન ફુડ ડીલીવરી, સિનેમા એન્ટરટેઇન્મેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ વિગેરે ક્ષેત્રો ખેદાન-મેદાન થઇ ગયા

રાજકોટ તા.ર૭ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ સાડાત્રણ લાખ લોકોનો ભોગ લઇ લીધો છે. સાથે-સાથે કોરોના સામેની તકેદારીરૂપે સતત લોકડાઉન પણ ચાલી રહ્યું  છે. દરેક ક્ષેત્ર માટે નવા-નવા અને ચૂસ્ત નીતિનિયમો આવી રહ્યા છે. જેને કારણે તમામ ક્ષેત્રો ઉપર હકારાત્મક-નકારાત્મક એમ બંને પ્રકારની અસરો જોવા મળી રહી છે.

આ તમામ સંજોગો-પરિબળો વચ્ચે રોજગારી તથા નોકરીઓની પ્રાપ્યતા અને સ્થિરતા ક્ષેત્રે કોરોનાએ રીતસર કાળોકેર વર્તાવ્યો છે. લાખો નોકરીઓ સાફ થઇ ગઇ છે કે પછી ખતરામાંં આવી ગઇ છે.

ખાસ કરીને ટ્રાવેલ એન્ડ ટુરીઝમ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, ઓનલાઇન ફુડ ડીલીવરી, સિનેમા (મલ્ટીપ્લેક્ષ)  એન્ટરટેઇન્મેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી વિગેરે ક્ષેત્રો ખેદાન મેદાન થઇ ગયા છે. તમામ ક્ષેત્રોનો કરોડો -અબજો રૂપિયાનો બિઝનેસ ઠપ્પ થઇ ગયો છે જેને કારણે ઘણો મોટો આર્થિક ફટકો સહન કરવાનો વખત આવ્યો છે.

આ તમામ સેકટર્સમાં મોટી સંખ્યામાં નોકરીઓ જવાની સંભાવના છે. કોરોના-લોકડાઉનને કારણે બેરોજગારીમાં પણ ખૂબ મોટો વધારો થવાની શકયતા દેખાઇ રહી છે. ઘણા બિઝનેસતો લોકડાઉન ૪.૦ દરમ્યાન પણ ખૂલ્યા જ નથી. ટુરીઝમ ઇન્ડસ્ટ્રી, સિનેમા-મલ્ટીપ્લેક્ષ-મોલ, હોટલ અને રેસ્ટોરન્ટસ (માત્ર હોમ ડીલીવરીની છૂટ), ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી વિગેરે ક્ષેત્રમાં કામ કરતા લાખો લોકો ઉપર રોજગારરૂપી જોખમ આવી પડયું છે.

સીઆઇઆઇના રિપોર્ટ મુજબ, કોવિડ-૧૯ સંકટનો સૌથી ઘાતક હુમલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર થયો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાઇઝ ૧૮ લાખ કરોડ રૂપિયાની છે.  કોરોના પહેલા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેકટરમાં પ.પ  કરોડ કર્મચારી હતા. કોરોના સંકટને પગલે આ ઇન્ડસ્ટ્રીમાં કરોડો લોકોની નોકરીઓ જઇ શકે છે. એ જ રીતે દેશમાં રેસ્ટોરન્ટ સેકટરની સાઇઝ ૪.ર લાખ કરોડ રૂપિયાની છે. કોરોના પહેલા આ સેકટરમાં ૭૩ લાખ કર્મચારી હતા, જેમાંથી ર૦ લાખ નોકરીઓ જવાનો અંદાજ છે

એ જ રીતે, ઓનલાઇન ફુડ ડિલિવરી સેકટરની સાઇઝ ૪૮હજાર કરોડ રૂપિયા જેટલી  છે. તેમાં કુલ કર્મચારી લગભગ પ લાખ છે. આ બિઝનેસની આવકમાં ર૦ ટકા ઘટાડો થવાની શકયતા છે. સિનેમા એન્ટરટેઇનમેન્ટમની વાત કરીએ તો તેની સાઇઝ ૧.૮ર કરોડ રૂપિયા છે. કુલ કર્મચારી ૭૦ થી ૮૦ લાખ છે એજ રીતે, દેશમાં સુલન, બ્યુટી, વેલનેસ ઇન્ડસ્ટ્રીની સાઇઝ ૧ લાખ કરોડ રૂપિયા છે. તેમાં કુલ પ કરોડ લોકોને રોજગાર મળે છે. તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સાઇઝ ૧૦ હજાર કરોડ  રૂપિયાની છે. તે ૩ કરોડ લોકોને રોજગાર આપ છે. કોરોનાના કારણે આ સેકટરમાં ૯૦ ટકા બિઝનેસ ખતમ થઇ ગયો છે.

જલ્દીથી આ તમામ ક્ષેત્રો પૂર્વવત થઇ જાય અને યોગ્ય લાયકાત ધરાવતા તમામ લોકોને રોજગારી મળી રહે તે ઇચ્છનીય છે.

(3:47 pm IST)