Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

આસામ - મેઘાલયમાં ભારે વરસાદ : પૂર જેવી સ્થિતિ

સતત ભારે વરસાદથી આસામના ૭ જિલ્લામાં ૨ લાખ લોકો પૂરથી પ્રભાવિત : ૨૬ થી ૨૮ મે સુધી ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરતુ હવામાન વિભાગ

નવી દિલ્હી તા. ૨૭ : આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. એકલા આસામના ૭ જિલ્લામાં અંદાજે બે લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ઉત્તર - પૂર્વ ભારતના વધુ પડતા રાજ્યોમાં ગઇકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેનાથી પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે.

આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ ધેમાજી, લખીમપુર, દર્રાંગ, નલબાડી, ગોલપારા, ડિબ્રુગઢ અને તિનસુકિયાના ૧૭ રાજસ્વ વિસ્તારમાં ૨૨૯ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પૂરના કારણે અંદાજે ૧૦૦૭ હેકટર પાક પાણીમાં નાશ થયો છે અને ૧૬,૫૦૦ની નજીક પશુઓ પાણીથી પ્રભાવિત થયા છે.

રાજ્યની નદીઓ ખતરાના નિશાન પર છે. રાજ્યની મુશ્કેલીઓ પૂરી થતી જ નથી. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના એક જિલ્લામાં ભૂ-સ્ખલનના કારણે ત્રણના મોત થયા છે. સતત વરસાદથી રાજ્યના મોટા જિલ્લાઓ પ્રભાવિત થયા છે.

બીજી બાજુ હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં ૨૬-૨૮ મે સુધી ભારે વરસાદની સાથે રેડએલર્ટ જાહેર કર્યું છે.

(12:58 pm IST)