Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

લડાખ... ભારત અડગ છે : જ્યાં જ્યાં ચીની સેના છે ત્યાં ૧ ઇંચ પણ પીછેહઠ નહિ કરે સૈન્ય

લડાખમાં ભારત - ચીન વચ્ચે ટેન્શન : જડબાતોડ જવાબ આપવા ભારત સજ્જ

નવી દિલ્હી તા. ૨૭ : ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. લદ્દાખમાં ચીન અને ભારતના સૈનિકો એકબીજાની સામે છે. તો બીજી તરફ મોદી સરકાર આ મુદ્દે ચીન સામે નમતું જોખવા તૈયાર નથી. મોદી સરકાર ચીનને આકરો જવાબ આપવા તૈયારી કરી રહી છે. ભારત પૂર્વ લદ્દાખમાં આવેલ આ તણાવગ્રસ્ત વિસ્તારમાં ખૂબ જ દૃઢતા સાથે ડ્રેગનની ચાલને નિષ્ફળ કરવામાં લાગ્યું છે. ચીને અહીં LACનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારત આ મામલે એક પણ પગલું પાછળ ભરવા માગતું નથી.

આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું કે તેઓ શાંતિપૂર્ણ ડિપ્લોમેટિક ઉકેલ લાવવા માટે પણ પ્રયાસરત છે. ભારત-ચીનના આ વણઉકેલ્યા સરહદ વિવાદની પૃષ્ઠભૂમીમાં લદ્દાખમાં ચીનની મેલી મુરાદ સામે આવી છે. ઉચ્ચ સરકારી સૂત્રોએ કહ્યું કે ભારત ખૂબ જ દૃઢતા સાથે પોતાના હિતોની રક્ષા કરશે. આ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે દરેક રસ્તા અપનાવવામાં આવશે. જયારે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જરૂર પડ્યે LAC પર આગળની હરોળમાં રહેલી ભારતીય સેના ચીનની કોઈપણ દ્યુસણખોરી અને પગલાનો જવાબ આપવા માટે સચેત અને તૈયાર છે.

એટલું જ નહીં બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણની પ્રકિયાઓ પણ ભારત ફરીથી જલ્દી શરૂ કરશે. જે કોરોના વાયરસના સંકટને જોતા અટકાવવામાં આવી હતી. આ સાથે જ ચીન સાથેના ઘર્ષણના ઉકેલ માટે આવકારદાયક અને સમજૂતીનો રસ્તો અપનાવશે ભારત. સૂત્રોએ કહ્યું કે ભારતે હંમેશા LACના નિયમોનું પાલન કર્યું છે. પરંતુ ચીન થોડા થોડા સમયે આવા અટકચાળા કરતું રહે છે. ભારત સરકારને આ કાર્યવાહી પાછળનો તેમનો ઉદ્દેશ્ય નથી ખબર પણ પૂર્વ લદ્દાખમાં તમામ કાર્યવાહી અને બોર્ડર પેટ્રોલ LACના પોતાના વિસ્તારમાં ભારત કરતું રહેશે.

આમ છતા ચીની સેના દ્વારા ભારતના પેટ્રોલિંગમાં સતત અંતરાય ઉભા કરવામાં આવે છે. આ બાબતે બંને પક્ષો લદ્દાખથી લઈને બીજિંગ સુધી રાજકીય સ્તરે ઉકેલ માટે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ જો વાત ભારતના સાર્વભૌમત્વ અને ભારતના પોતાનના વિસ્તારની સુરક્ષાની આવશે તો કોઈપણ પ્રકારે સમજૂતી કરવામાં આવશે નહીં. આ પહેલા સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બોર્ડર વિસ્તારમાં બદલાતી સ્થિતિ અંગે વિચારણા કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે LAC બદલવાના કોઈપણ એક તરફી પ્રયાસને કયારેય સફળ થવા દેવામાં નહીં આવે.

ભારત આ વિવાદના રાજકીય ઉકેલ માટે સક્રિયતા દાખવી રહ્યો છે. ચુશલુ માલ્દો અને દૌલત બેગ ઓલ્ડીમાં મેજર જનરલ અને બ્રિગેડિયર સ્તરની બેઠકોનું કોઈ પરિણામ નથી મળી રહ્યું છે. ટીડબલ્યુડી અને બોર્ડર પર્સનલ મીટિંગમાં પણ વિવાદનો રસ્તો નથી નીકળી રહ્યો.

ભારત ચીની સૈનિકોની ગતિવિધિ અને તૈયારી પર ખૂબ જ બારીક નજર રાખી રહ્યું છે. જે પૈકી ૪-૫ વિવાદિત જગ્યાએ ચીનની ગતિવિધિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જેમાં ઉત્ત્।ર પૈંગોંગ સો લેક, દેમચોક અને ગલવાન વેલી જેવા વિસ્તારો છે. અહીં સેટેલાઇટ તસવીરો, એરક્રાફટ અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવે છે. એક સૂત્રે જણાવ્યું કે હાલ સ્થિતિ ગંભીર છે પરંતુ ચિંતાજનક નથી. ભારતે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ ચીની સૈનિકોને એકતરફી કાર્યવાહી કરવાની મંજૂરી નહીં આપે. ભારતીય આર્મી પોતાની પોઝિશનથી એક ઇંચ પણ પાછળ નહીં હટે. તેમજ પ્રોટોકોલ સાથે એ પણ ધ્યાન રાખવામાં આવશે કે ખોટી રીતે ચીની સૈનિકોને ઉકસાવવામાં ન આવે.

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સ્થિતિ તણાવગ્રસ્ત છે. લેકના કિનારે ચીને ખૂબ જ મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કરી રાખ્યા છે. સેટેલાઇટ તસવીરો દ્વારા જાણવા મળે છે કે ચીન ખૂબ મોટી સંખ્યામાં સૈન્ય વાહનોને પેંગોંગ લેક પાસે જમા કરી રહ્યું છે. તેમજ બંકર પણ નિર્માણ કરી રહ્યું છે. જવાબમાં ભારતે પણ વધારના સૈનિકો તહેનાત કર્યા છે. પરંતુ લાગે છે કે ચીનના ઈરાદા ખૂબ જ ખતારનાક છે. પૈંગોંગ સો લેક રણનૈતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ચીન આ આખા લેક પર પોતાનો કબ્જો જમાવવા ઈચ્છે છે.

આ લેકની ભૌગોલિક સ્થિતિ તેને ખૂબ જ રણનિતિક મહત્વ આપે છે. આ લેક ચુશુલ એપ્રોચ રસ્તામાં આવે છે. નિષ્ણાંતોનું માનીએ તો જો ચીન ભવિષ્યમાં ભારતીય વિસ્તારમાં હુમલો કરે છે છે તો ચુશુલ એપ્રોચનો ઉપયોગ કરશે કેમ કે આ રસ્તાનું રણનીતિક મહત્વ છે. ૧૩૪ કિમી લાંબું આ લેક ૬૦૪ વર્ગ કિમીમાં ફેલાયેલું છે. તેના ૮૯ કિમી એટલે કે બે તૃતિયાંશ પર ચીનનું નિયંત્રણ છે. જયારે તેના ૪૫ કિમી પશ્ચિમ તરફના વિસ્તાર એટલે કે એક તૃતિયાંશ પર ભારતનું નિયંત્રણ છે.

(12:55 pm IST)