Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ક્રિસિલે આપી ચેતવણી

દેશની આઝાદી બાદની ચોથી સૌથી મોટી મંદીની આશંકા

મહામારી બાદ પણ ભારતીય અર્થવ્યવસ્થામાં સામાન્ય ગ્રોથ માટે ઓછામાં ઓછા ૩-૪ વર્ષનો સમય લાગી જશે

નવી દિલ્હી, તા.૨૭: રેટિંગ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે આઝાદી બાદ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે. એજન્સીનું કહેવું છે કે આઝાદી બાદ આ પહેલા ત્રણ વાર અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી હતી, પરંતુ કોરોના વાયરસને કારણે લોકડાઉને સૌથી વધારે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો આપ્યો છે.

રેટિંગ એજન્સી મુજબ ભારત અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેણે કહ્યું કે આઝાદી બાદ આ ચોથી અને ઉદારીકરણ બાદ આ પહેલી મંદી છે જે સૌથી ભીષણ છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે મહામારી બાદ પણ ભારતીય અર્થવ્યવસ્થામાં સામાન્ય ગ્રોથ માટે ઓછામાં ઓછા ૩-૪ વર્ષનો સમય લાગી જશે.

રેટિંગ એજન્સી અનુસાર લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થા ઘણી પ્રભાવિત થઇ છે. એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના જીડીપી ગ્રોથ રેટમાં ૫ ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. આ પહેલા ૨૮ એપ્રિલે ઘ્ય્ત્લ્ત્ન્એ જીડીપી ગ્રોથ રેટ ૩.૫ ટકાથી ઘટાડીને ૧.૮ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. એજન્સીનું માનીએ તો ગત એક મહીનામાં આર્થિક સ્થિતિ વધારે કથળી ગઇ છે.

ક્રિસિલનું માનવું છે કે ગત ૬૯ વર્ષોના આંકડાઓ જોઇએ તો દેશમાં માત્ર ૩ વાર વર્ષ ૧૯૫૮, ૧૯૬૬ અને ૧૯૮૦માં મંદી આવી હતી. આ ત્રણેય મંદીનું એક જ કારણ ચોમાસાનો સાથ ન આપવું હતું. ખરાબ ચોમાસાને કારણે ખેતી પર ઘણી ખરાબ અસર પડી હતી અને અર્થવ્યવસ્થાનો મોટો ભાગ પ્રભાવિત થયો હતો.

ક્રિસિલ અનુસાર, લોકડાઉનને કારણે ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાનો સમય સૌથી વધારે પ્રભાવિત થશે. પ્રવાસન ઉદ્યોગની સૌથી વધારે ખરાબ હાલત છે. રોજગારી અને આવક પર પ્રતિકૂળ અસર પડશે કેમકે આ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે.

(10:22 am IST)